(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સુપ્રીમકોર્ટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ૩૪૭ સંસદીય મતવિસ્તારોમાં મતદાન અને મતોની ગણતરીમાં મતોના આંકડામાં વિસંગતતાઓની તપાસ કરવા માટે બે બિન-સરકારી સંગઠનો (એનજીઓ)ની જાહેર હિતની અરજીઓ પર શુક્રવારે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વવાળી બેંચે આ સાથે જ આ અરજીઓને પહેલાથી પડતર મામલા સાથે સંલગ્ન કરીને જણાવ્યું કે આ મામલામાં હવે ફેબ્રુઆરી ૨૦૨૦માં સુનાવણી હાથ ધરવામાં આવશે.
એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને કોમન કોઝે પોતાની અરજીમાં ચૂંટણી પંચને ભવિષ્યની બધી ચૂંટણીઓમાં આંકડાઓની વિસંગતતાઓની તપાસ કરવા માટે નક્કર પ્રક્રિયા તૈયાર કરવાનો નિર્દેશ આપવાનો સુપ્રીમકોર્ટને અનુરોધ કર્યો છે. એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ તેની નિષ્ણાતોની ટીમના સંશોધન ડેટાને ટાંકીને કહ્યું હતું કે, ૨૦૧૯ માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યા અને મતની ટકાવારી તેમ જ વિવિધ બેઠકોમાં ગણાયેલી મતની સંખ્યા અંગે પંચ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટામાં ભારે ગંભીર વિસંગતતા છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના સંશોધન દરમિયાન ઘણી વિસંગતતાઓ મળી આવી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસંગતતાઓ એક મતથી લઈને ૧,૦૧,૩૨૩ મતો સુધીની છે જે કુલ પડેલા મતના ૧૦.૪૯ ટકા છે. જાહેર હિતની અરજીમાં જણાવ્યા મુજબ છ બેઠકો પર મતની વિસંગતતા ચૂંટણીના જીતના અંતર કરતા વધુ હતી.
અરજીમાં કોઇ પણ ચૂંટણીના પરિણામો જાહેર કરતા પહેલા આંકડાઓનો યોગ્ય રીતે મેચ કરવા અને ચાલુ વર્ષની લોકસભા ચૂંટણીઓના ફોર્મ ૧૭સી, ૨૦, ૨૧સી, ૨૧ડી અને ૨૧ઇની માહિતીની સાથે જ બધી જ ભાવિ ચૂંટણીઓની આવી માહિતી જાહેર કરવાનો ચૂંટણી પંચને નિર્દેશ આપવાનો સુપ્રીમકોર્ટને અનુરોધ કર્યો છે. અરજીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીઓની પવિત્રતા જાળવી રાખવા માટે ચૂંટણીના પરિણામો બિલકુલ સચોટ અને સાચા હોય તે જરૂરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે મતો મેચ કરવા અને ચૂંટણીના આંકડાઓ પ્રસિદ્ધ કરવા માટે કોઇ વ્યવસ્થા બનાવી નથી.