(એજન્સી)
નવી દિલ્હી, તા.૧ર
સુપ્રીમકોર્ટે આજે હૈદરાબાદમાં થયેલ એન્કાઉન્ટરની ન્યાયિક તપાસના આદેશો આપ્યા હતા. આ એન્કાઉન્ટરમાં ડૉક્ટર યુવતી ઉપર બળાત્કાર કરી હત્યા કરનારા ચાર આરોપીઓની હત્યા થઈ હતી. નિવૃત્ત જજ વી.એસ.સિરપુરકરની અધ્યક્ષતામાં તપાસ પંચની નિમણૂંક કરાઈ છે જે ૬ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. સુપ્રીમકોર્ટની સીજેઆઈ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું કે, અમારા મત મુજબ એન્કાઉન્ટરની તપાસ થવી જોઈએ જે હકીકતો અમારી સમક્ષ રજૂ કરાઈ છે એ ધ્યાનમાં રાખી તપાસની જરૂર છે. સુપ્રીમકોર્ટ વકીલો જી.એસ.મની અને પ્રદીપકુમાર યાદવ દ્વારા દાખલ કરાયેલ જાહેરહિત અરજીની સુનાવણી કરી રહી હતી. તેલંગાણા સરકાર તરફે રજૂઆત કરતાં વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે, સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓ ઓળખાયા હતા. એમની ઓળખ બાબતે કોઈ વિવાદ નથી. આરોપીઓએ પોલીસ સામે ગોળીઓ છોડી હતી જેથી પોલીસને પણ ગોળીઓ ચલાવવી પડી હતી. રોહતગીએ જણાવ્યું કે, પોલીસ કમિશનરની આગેવાની હેઠળની એસઆઈટી પણ તપાસ કરી રહી છે અને એનએચઆરસી પણ પોતાની મેળે તપાસ કરી રહ્યું છે. રોહતગીની રજૂઆત સામે સીજેઆઈ બોબડેએ કહ્યું અમને અન્ય કોઈના દ્વારા થતી તપાસ સામે નિસ્બત નથી. અમારી કમિટીના રિપોર્ટ આવ્યા પછી બધી તપાસોનું મૂલ્યાંકન કરાશે. રોહતગીએ કહ્યું આ કાયદાની વિરૂદ્ધ છે. બે સમાંતર તપાસો નહીં થઈ શકે. સીજેઆઈ બોબડેએ કહ્યું લોકો એન્કાઉન્ટરનું સત્ય જાણે એ જરૂરી છે. અમને બીજી તપાસ સાથે સંબંધ નથી. લોકોને ખરી માહિતી આપવા કમિટી તપાસ કરશે. સીજેઆઈ બોબડેએ કહ્યું કે, અમે હકીકતો બાબતે અનુમાન કરવા નથી ઈચ્છતા. આ પ્રશ્ન વિશ્વસનીયતાનો છે. તમે તપાસનો વિરોધ કેમ કરી રહ્યા છો ? અમે અપેક્ષા રાખીએ કે તમે પણ અમારી જેમ થાઓ. અમે નથી કહેતા કે તમે દોષી છો, અમે એ પણ નથી કહેતા કે તમે ખોટા છો. આ તબક્કે અમે કંઈ જાણતા નથી. એ માટે તપાસ થવા દો.