(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
સુપ્રીમકોર્ટમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર)એ એવો દાવો કર્યો છે કે ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંંટણીઓમાં ૩૭૦ સંસદીય મતવિસ્તારોમાં મતોની સંખ્યામાં ઇવીએમે ભારે ગરબડ કરી છે અને ચૂંટણી પંચે આ બાબતે કશું જ બતાવવાનો ઇનકાર કરી દીધો છે. આ બાબતના સંદર્ભમાં એડીઆર તરફથી સુપ્રીમકોર્ટમાં ગત ૧૫મી નવેમ્બરે એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં કોઇ પણ ચૂંટણીના પરિણામ જાહેર કરતા પહેલા કેટલા વોટ પડ્યા ? તેનો સચોટ ડેટા ઉપલબ્ધ કરાવવાનો ચૂંટણી પંચને આદેશ આપવાની સુપ્રીમકોર્ટને અપીલ કરવામાં આવી છે.અરજદારે સુપ્રીમકોર્ટને એવી પણ અપીલ કરી છે કે વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં ડેટા અંગે થયેલી બધી અસંગતતાઓની પણ તપાસ કરાવવામાં આવે. અરજદારે ૨૦૧૯માં ચૂંટણી પંચ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા ડેટામાં ખામીઓ હોવાની પણ વાત કહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ૨૦૧૪ના ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ચૂંટણી પંચની વેબસાઇટ અને તેની એપ (માય વોટર્સ ટર્નઆઉટ એપ) પર ઉપલબ્ધ કરાવવામાં આવેલા વોટિંગ ડેટામાં ઘણી વાર ફેરફાર કરવામાં આવ્યા હતા અને હોઇ શકે છે કે ખામીઓ છુપાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્યા હશે. અરજદારે જણાવ્યું કે ડેટામાં કરવામાં આવેલા ફેરફારો અંગે ચૂંટણી પંચ તરફથી કશું જ કહેવામાં આવ્યું નથી. અરજદારે જણાવ્યું કે નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવેલા સંશોધન બાદ જણાયું કે કાઉન્ટિંગ દરમિયાન મતોની કુલ સંખ્યા અને ઇવીએમમાં પડેલા મતોની કુલ સંખ્યા જુદા-જુદા મતવિસ્તારોમાં અલગ-અલગ હતી. ચૂંટણી પંચ તરફથી ૨૮ મે, ૨૦૧૯ અને ૨૦૧૯ની ૩૦મી જૂન વેબસાઉટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલા ડેટાને આધારે આ સંશોધન કરવામાં આવ્યું હતું. અરજદારે કોર્ટમાં એવું પણ જણાવ્યું કે કુલ ૩૪૭ સંસદીય મતવિસ્તારોમાં પડેલા કુલ મતો અને ઇવીએમમાં પડેલા મતોની કુલ સંખ્યામાં અંતર છે. ૬ સીટ એવી છે જ્યાં ઉમેદવારે મેળવેલા મતોની સંખ્યા કુલ મતોની સંખ્યાથી પણ વધુ છે. અરજદારે યુકે, ફ્રાન્સ અને બ્રાઝીલ જેવા કેટલાક દેશોનું ઉદાહરણ આપીને કહ્યું કે આ દેશોમાં ચૂંટણી પરિણામો એક નિર્ધારિત ઓથોરિટીની તપાસ અને ચકાસણી બાદ જ જાહેર કરવામાં આવે છે.

લોકસભા ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે ચૂંટણી પંચ કઠેડામાં , પંચે મૌન ધારણ કર્યું

લોકસભા ચૂંટણીઓ દરમિયાન ગંભીર ગેરરિતીઓના આરોપો અંગે ચૂંટણી પંચના મૌન ધારણ કરવા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બાબતના સંદર્ભમાં બીજી જુલાઇએ ચૂંટણી પંચને એક પત્ર પાઠવવામાં આવ્યો હતો પરંતુ પંચ તરફથી આ પત્રનો કોઇ જવાબ મળ્યો નથી. કોન્સ્ટિટ્યુશન કન્ડક્ટ તરફથી ચૂંટણી પંચને આ પત્ર પાઠવવામાં આવ્યો હતો પરંતુ કોઇ જવાબ ન મળતા ૨૦મી જુલાઇએ અને ત્યાર પછી ૧૦મી ઓગસ્ટે રિમાન્ડર પણ મોકલવામાં આવ્યા હોવા છતાં પંચ દ્વારા કોઇ જવાબ આપવામાં નહીં આવતા હવે ફરી એક વાર આ બાબતના સંદર્ભમાં ચૂંટણી પંચને ફરી રિમાઇન્ડર મોકલવામાં આવ્યું છે. ૬૪ ભૂતપૂર્વ આઇએએસ અધિકારીઓ તરફથી ચૂંંટણી પંચને આ પત્ર પાઠવવામાં આવ્યો છે અને આ પત્રને સંરક્ષણ અકાદમી તેમ જ અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા ૮૩ ભૂતપૂર્વ અધિકારીઓએ પોતાનું સમર્થન આપ્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ તરફથી કોઇ પણ પ્રકારનો જવાબ ન મળવો અને એટલે સુધી કે પત્ર મળ્યાની જાણ પણ નહીં કરવાની બાબત ઘણા પ્રશ્નો ઉભા કરે છે. પત્રમાં ચૂંટણી પંચને એવું પૂછવામાં આવ્યું છે કે શું અમને ક્યારે પોતાના સવાલોનો જવાબ મળી શકશે ? કોન્સ્ટિટ્યુશનલ કન્ડક્ટ ભૂતપૂર્વ આઇએએસ અધિકારીઓનો એક સમૂહ છે, જેમાં ઘણા અધિકારી છેલ્લા છ દાયકાથી ચૂંટણી પ્રક્રિયાનો ભાગ રહ્યા છે.