(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે જાતીય સતામણીના આરોપો અને તેમની સામે ષડયંત્રના દાવાઓ સાથે સંબંધિત મામલાની સુનાવણી કરતા સુપ્રીમકોર્ટની બેંચે કડક વલણ અપનાવીને સ્પષ્ટપણે કહ્યું છે કે દેશની સર્વોચ્ચ અદાલત કેટલાક વગદાર અને ધનિક લોકોની મરજીથી કામ કરી શકશે નહીં. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે છેલ્લા ૩-૪ વર્ષથી સતત સુપ્રીમકોર્ટને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. કોર્ટે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ સંસ્થા (કોર્ટ) હવે ખતમ થવાના કગારે છે. દેશના લોકોને જાણવું જોઇએ કે આખરે ષડયંત્ર કરનારા આ લોકો કોણ છે ?
ન્યાયમૂર્તિઓ અરૂણ મિશ્રા, આરએફ નરિમન અને દીપક ગુપ્તાની ત્રણ સભ્યોની ખાસ બેંચે ચિંતા વ્યક્ત કરતા ગુરૂવારે જણાવ્યું કે સુપ્રીમકોર્ટના ચુકાદાઓને દેશના કેટલાક વગદાર અને ધનિક લોકો રિમોટ દ્વારા કન્ટ્રોલ કરી શકે નહીં. બેંચે જણાવ્યું કે સીજેઆઇ સામે ષડયંત્રના મામલામાં એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. બેેંચે ચેતવણીના સ્વરમાં કહ્યું કે ષડયંત્ર કરનારાઓને ખબર નથી કે તેઓ આગ સાથે રમી રહ્યા છે. આગ સાથે રમશો નહીં, નહિંતર આગળી દાઝી જશે. ભારે રોષમાં દેખાતા જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે હવે સમય પાકી ગયો છે, હવે અમે ચુપ બેસીશું નહીં. ઘણી બાબતો ખોટી થઇ રહી છે. તેમણે એવું પણ કહ્યું કે જ્યારે પણ મોટા લોકો સાથે સંબંધિત કેસ આવે છે અને સુનાવણી થવાની હોય છે ત્યારે પત્રો લખવામાં આવે છે. વગદાર કે શક્તિશાળી લોકો એવું સમજે છે કે તેઓ કોર્ટ ચલાવી શકે છે.
આ મામલાની સુનાવણી દરમિયાન ત્રણ જજીસની બેંચ રોષમાં દેખાઇ હતી. ન્યાયમૂર્તિઓ અરૂણ મિશ્રા, આરએફ નરિમન અને દીપક ગુપ્તાની ત્રણ સભ્યોની ખાસ બેંચ જણાવ્યું કે અમે હંમેશ સાંભળીએ છીએ કે બેંચ ફિક્સિંગ થઇ રહી છે. કોઇ પણ રીતે આ બંધ થવું જોઇએ. નોંધનીય છે કે વકીલ ઉત્સવ બેંચે સુપ્રીમકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને એવો દાવો કર્યો છે કે ચીફ જસ્ટિસ સામે જાતીય સતામણીનો આરોપ એક મોટા ષડયંત્રનો ભાગ છે. બેંસે એવું પણ કહ્યું છે કે તેમની પાસે આ બાબતના પુરાવા પણ છે.
જસ્ટિસ અરૂણ મિશ્રાએ એવું પણ કહ્યું કે પૈસાવાળા અને વગદાર લોકો વિચારે છે કે તેઓ સુપ્રીમકોર્ટ ચલાવી રહ્યા છે. આ કોર્ટ નાણા અને પોલિટિકલ પાવરથી ચલાવી શકાય નહી.ં અમે બધા લોકોને સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકાય નહીં.

CJI સામે ષડયંત્ર : શું ધનવાન અને સશક્ત લોકો વિચારે
છે કે એ સુપ્રીમ કોર્ટ ઉપર નિયંત્રણ રાખી શકે છે ?

(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
સુપ્રીમ કોર્ટે આજે ન્યાયતંત્ર ઉપર હુમલો કરનારા અને એના ઉપર નિયંત્ર કરવાના પ્રયાસો કરનારાઓની સખત ટીકા કરતા કહ્યું કોર્ટની કામગીરીમાં યોજનાબદ્ધ રીતે દખલગીરી કરવામાં આવી રહી છે. સમય આવી ગયો છે જ્યારે અમે ધનિક અને વગદાર લોકોને જણાવી દઈએ કે તમે આ કોર્ટને ચલાવી શકશો નહીં. સુપ્રીમ કોર્ટની બેંચના જજો અરૂણ મિશ્રાની આ તીખી ટિપ્પણી હતી. જે અન્ય જજો આર.એફ. નરીમાન અને જજ દીપક ગુપ્તા સાથે બેંકમાં હતા. કોર્ટની બેંચ વકીલ બેન્ચ દ્વારા દાખલ કરાયેલ સોગંદનામાં ઉપર સુનાવણી કરતી હતી. જેમાં એમણે દાવો કર્યો હતો કે, અમુક ‘ફિક્સરો’ કોર્ટની છબિ બગાડવા ષડયંત્ર ઘડી રહ્યા છે. જેના ભાગ રૂપે સીજેઆઈ સામે જાતીય સતામણીના આક્ષેપો મૂકાયા છે. જજ મિશ્રાએ કહ્યું આ પ્રકારના પ્રયાસો લાંબા સમયથી થઈ રહ્યા છે. જેથી ઘણી બધી વાતો થઈ રહી છે. ફિક્સીંગનો મામલો ગંભીર છે. એમણે કહ્યું તમે એવું ના વિચારો કે સુપ્રીમ કોર્ટ દુનિયાના કોઈ પણ ખૂણેથી ચલાવી શકાશે પછી ભલે એ રાજકીય તાકતો હોય અથવા આર્થિક તાકતો હોય આ એક સુનિયોજીત રમત છે. જેથી ઘણી બધી વાતો બહાર હજી આવી નથી. દેશના લોકો સત્ય જાણે એ જરૂરી છે. જ્યારે કેસોની સુનાવણી પડતર હોય છે ત્યારે વગ ધરાવતા લોકો પત્રો લખી દબાણો કરે છે. આ પ્રથાની જજ મિશ્રાએ ટીકા કરી કહ્યું કે આ પ્રથા બંધ થવી જોઈએ. જે લોકો પૈસાના જોરે રજિસ્ટ્રીને ખરીદવા પ્રયાસો કરે છે. એમની સાથે કડક પગલા લઈશું. આ કોર્ટ ફલી નરીમાન, નાની પાલખીવાલા કે વરસરન દ્વારા સ્થાપિત થયેલ છે. આ તમારી સંસ્થા છે. અમારી નથી. કોર્ટમાં જે થઈ રહ્યું છે. એનાથી અમે ચિંતિત છીએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તપાસ માટે ‘સીટ’ની રચના કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટને અસર કરતા મોટા ષડયંત્રની
તપાસ એક વ્યક્તિની પેનલ કરશે

(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
એક અન્ય ઘટનાક્રમમાં જજ એમ.વી. રમનની નિમણુંક સુપ્રીમ કોર્ટની આંતરિક પેનલમાં કરાઈ હતી. જેમનું કાર્ય સીજેઆઈ સામે મૂકાયેલ જાતીય સતામણીના આક્ષેપોની તપાસ કરવાનું હતું. એ પેનલમાંથી જજ રમન પોતે દૂર થઈ ગયા છે.
જજ એસ.એ. બોબડેની આગેવાની હેઠળની પેનલમાં જજ રમન સભ્ય હતા. સીજેઆઈ સાથે આક્ષેપો કરનાર મહિલાએ પેનલને પત્ર લખી માંગણી કરી હતી કે, પેનલમાંથી જજ રમનને દૂર કરવામાં આવે કારણ કે, એ સીજેઆઈના ખાસ અંગત મિત્ર છે અને સીજેઆઈના ઘરે ઘણી આવજા કરે છે. સીજેઆઈના ઘરે જ્યારે હું ફરજ બજાવતી હતી તે વખતે પણ મને ઘણી વખત મળ્યા હતા. જેથી એ મારા વિષે પૂર્વગ્રહ ધરાવે છે અને મારી સાથે ન્યાય કરશે નહીં.
આ મહિલા શુક્રવારે પેનલ સમક્ષ હાજર રહે
જજ બોબડેને લખેલ પત્રમાં એમણે પેનલમાં ફક્ત એક જ મહિલા ઈન્દિરા બેનરજીની હાજરી સાથે પણ વાંધો ઉઠાવ્યો છે. એમણે લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટના વિશાખાના ચુકાદા મુજબ જાતીય સતામણીની તપાસ માટે બહુમતી મહિલા જજોની હોવી જોઈએ જે અહિં નથી.
મહિલાએ વધુમાં જણાવ્યું છે કે, મારી પૂછપરછ દરમિયાન મને વકીલ સાથે રાખવાની પરવાનગી આપવામાં આવે અને સમગ્ર પ્રક્રિયાની વીડિયો રેકર્ડિંગ કરવામાં આવે જેથી પારદર્શિતતા બદલ શંકા નહીં રહે.
સુપ્રીમ કોર્ટે પેનલની રચના કરતી વખતે જણાવ્યું હતું કે, આ તપાસમાં વકીલોની હાજરીની જરૂર નથી. કારણ કે આ આંતરિક તપાસ છે. આ ઔપચારિક ન્યાયિક પ્રક્રિયા નથી.

CJI ગોગોઈ સામે રચાયેલ ષડયંત્રની
તપાસ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
એક વકીલે સોગંદનામું દાખલ કરી આક્ષેપો મૂક્યા હતા કે, સીજેઆઈ રંજન ગોગોઈને બદનામ કરવા ષડયંત્ર ઘડાયું હતું. સુપ્રીમ કોર્ટે આજે આ આક્ષેપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એ.કે. પટનાયકની આગેવાની હેઠળ તપાસ કમિટીની રચના કરી હતી.
સુપ્રીમ કોર્ટે તપાસમાં મદદ કરવા સીબીઆઈ, આઈ.બી. અને દિલ્હી પોલીસને સૂચનાઓ આપી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પટનાયક ફક્ત ષડયંત્રની તપાસ કરશે. સીજેઆઈ સામે મૂકાયેલ જાતીય સતામણીના આક્ષેપોની તપાસ કરશે નહીં. એના માટે સુપ્રીમ કોર્ટની આંતરિક કમિટીની રચના કરાઈ છે.
વકીલ બૈન્સ દ્વારા દાખલ કરાયેલ સોગંદનામાં પછી સુપ્રીમ કોર્ટે જણાવ્યું જે પ્રમાણે આ સંસ્થાની કામગીરીમાં દખલગીરી કરાઈ રહી છે. એનાથી અમે સખત નારાજ છીએ, જો આવી રીતે ચાલશે તો સંસ્થા કેવી રીતે ટકશે. સંસ્થાને બદનામ કરવા વ્યવસ્થિત કાવતરૂ ઘડાયું છે. શું ધનવાન અને વગદાર લોકો એવું વિચારે છે કે, એ સુપ્રીમ કોર્ટ ઉપર નિયંત્રણ મેળવી શકે છે. ચારથી પાંચ વકીલ આ સંસ્થાની ખરાબી કરવા ઉતર્યા છે.
સુપ્રીમ કોર્ટની બેંચના જજ અરૂણ મિશ્રાએ કહ્યું સમય આવી ગયો છે. જેથી અમે દેશને જણાવીએ કે ધનવાન અને સશક્ત લોકો આવું કરી શકશે નહીં. આ લોકો આગ સાથે રમી રહ્યા છે. જ્યાં એમના જ હાથ બળશે.
એમણે કહ્યું કે આ સમગ્ર પ્રકરણ ખૂબ જ સંવેદનશીલ છે. કારણ કે, ન્યાયની સ્વતંત્રતામાં દખલગીરી કરાઈ રહી છે.