(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રીંગ કેસમાં કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને જામીન આપવા વિરૂદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ની અપીલ શુક્રવારે ફગાવી દીધી હતી. શિવકુમારને દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટે નોંધ્યું કે, તપાસ એજન્સીઓ જે રીતે નાગરિકો સાથે વ્યવહાર કરી રહી છે તે યોગ્ય નથી. ન્યાયમૂર્તિ આરએફ નરિમને કહ્યું હતું કે, નાગરિકો સાથે વ્યવહાર કરવાની આ રીત યોગ્ય નથી. ન્યાયમૂર્તિ આરએફ નરિમન અને ન્યાયમૂર્તિ રવીન્દ્ર ભટની પીઠે અપીલમાં બીજા પક્ષને નોટિસ જારી કરવાના ઇડીની તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાનો અનુરોધ સ્વીકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે ઇડીની એમ કહીને પણ ઝાટકણી કાઢી હતી કે, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીની જામીન અરજી પર ઇડીએ જે દલીલોકરી હતી તેવી જ દલીલોની કોપી પેસ્ટીંગ કરી રહ્યા છો. પી ચિદમ્બરમની જામીનનો વિરોધ કરવા સમયે ઇડીએ જે દલીલો કરી હતી તેવી જ દલીલો ડીકે શિવકુમારની જામીનનો વિરોધ કરવા માટે ઇડીએ કરી હતી. જસ્ટિસ નરિમને આ અંગે ઇડીને કહ્યું કે, નાગરિકો સાથે આ રીતે વ્યવહાર થવો ના જોઇએ. ઇડીએ ૨૫મી ઓક્ટોબરે કોંગ્રેસના વરિષ્ઠ નેતાને મળેલા જામીનનો વિરોધ કરવા સુપ્રીંમ કોર્ટમાં અપીલ કરી હતી. દિલ્હી હાઇકોર્ટે ૨૩મી ઓક્ટોબરે ડીકે શિવકુમારને જામીન આપ્યા હતા. ત્યારે હાઇકોર્ટે ટકોર કરી હતી કે તેઓ પુરાવા સાથે કોઇ છેડછાડ કરશે નહીં. તે જ દિવસે શિવકુમાર તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. તેઓ બહાર આવ્યા બાદ બેંગ્લુરૂમાં તેમનું હીરો જેવું સ્વાગત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, પાછલા મહિને દિલ્હી હાઇકોર્ટે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારને ૨૫ લાખ રૂપિયાના જાત મુચલકા પર જામીન આપ્યા હતા. તેઓ મની લોન્ડ્રીંગ મામલે કાનુની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ જામીન પર બહાર આવ્યા બાદ શિવકુમારે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, તેઓ નબળા નહીં પણ વધુ મજબૂત બન્યા છે અને ભાજપ સામે આત્મસમર્પણ કરવાનો તો સવાલ જ ઊભો થતો નથી. હું ન્યાય માટે લડતો રહીશ.
‘નાગરિકો સાથે આવો વ્યવહાર યોગ્ય નથી’ : શિવકુમારના જામીનને પડકારતી અરજી મુદ્દે સુપ્રીમની EDને ફટકાર

Recent Comments