(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
સુપ્રીમ કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે હૈદરાબાદ આધારિત બિઝનેસમેન સતીશ સના જેમણે સીબીઆઈના બીજા ક્રમના અધિકારી રાકેશ અસ્થાના સામે લાંચના આક્ષેપો મૂક્યા હતા, એમને રક્ષણ પૂરૂં પાડવામાં આવે, પણ કોર્ટે સતીશની એ બાબતની અરજી રદ કરી જેમાં એમણે માગણી કરી હતી કે એમની સામે બહાર પડાયેલ સમંસને રદ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સનાની એ માગણી પણ નહીં સ્વીકારી જેમાં એમણે કહ્યું હતું કે એમને જજ એ.કે. પટનાયક સમક્ષ નિવેદન નોંધવામાંથી મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈના સમગ્ર મામલા ઉપર નિગરાની રાખવા પટનાયકની નિમણૂક કરી છે. સીજેઆઈ રંજન ગોગોઈએ સનાને કહ્યું કે તમે વ્હીસલ બ્લોઅર હોવાનો દાવો કરો છો અને ડરી રહ્યા છો. તેમ છતાંય અમે તમને રક્ષણ આપીશું. એટોર્ની જનરલ વેણુગોપાલે કોર્ટને જણાવ્યું કે અમે સનાને રક્ષણ પૂરૂં પાડીશું. સતીશ સનાએ સીબીઆઈ સમક્ષ નિવેદન આપી જણાવ્યું હતું કે, એમણે અસ્થાનાને બે કરોડ રૂપિયા લાંચ પેટે આપ્યા હતા. જેથી અસ્થાના મોઈન કુરેશીની તપાસમાંથી સનાને મુક્તિ અપાવશે. સીબીઆઈએ સનાના નિવેદનના આધારે અસ્થાના સામે એફઆઈઆર દાખલ કરી હતી.