(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકારને નિર્દેશો આપી જણાવ્યું કે એ રમખાણ પીડિતા બિલ્કીસબાનોને પ૦ લાખ રૂપિયા, નોકરી અને એમની પસંદગીનું ઘર બે અઠવાડિયામાં આપે ર૦૦રના વર્ષમાં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલ રમખાણોમાં બિલ્કીસબાનો ઉપર સામુહિક બળાત્કાર કરાયો હતો. ત્યારે એ ગર્ભવતી હતી. સુપ્રીમ કોર્ટની સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે ગુજરાત સરકારને પ્રશ્ન કર્યો કે અમોએ આ પહેલા ર૩મી એપ્રિલે આ મુજબ આદેશ આપ્યો હતો. તો શા માટે એમને વળતર અને ઘર નથી આપવામાં આવ્યું. રાજય સરકાર તરફે રજૂઆત કરતા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ બેચને જણાવ્યું કે બિલ્કીસબાનોને પ૦ લાખ રૂપિયાનું વળતર રાજયની પીડિતોને આપવાના વળતર યોજના સાથે સુસંગત નહીં હોવાથી વળતર નથી અપાયું અને અમે કોર્ટના આદેશના પુનર્વિચાર માટે અરજી દાખલ કરવાના છીએ.
બેંચે કહ્યું કે શું અમે આદેશમાં લખીએ કે વળતર શરતો અને સંજોગોને આધીન રહેશે. સુપ્રીમ કોર્ટની બેંચે અવલોકન કર્યું અને રાજય સરકારને વળતર, નોકરી અને રહેઠાણ બે અઠવાડિયામાં આપવા આદેશ કર્યો. પછીથી મહેતાએ કોર્ટને બાંહેધરી આપી કે સરકાર બે અઠવાડિયામાં વળતર, નોકરી અને રહેઠાણ આપશે.