અમદાવાદ, તા.ર૩
રાજ્યમાં ઘોઘા-દહેજ વચ્ચે જળમાર્ગે માલ સમાન લઈ જવા-લાવવા તથા પેસેન્જરોને અવરજવર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષે દહેજ-ઘોઘા વચ્ચે રો-રો ફેરીનું ઉદ્‌ઘાટન કર્યું હતું. જે રો-રો ફેરી સર્વિસમાં ઉપયોગી જહાજમાં યાંત્રીક ખામી સર્જાવાના લીધે સોમવાર સુધીની તમામ ટ્રિપો રદ કરાઈ છે અને આ જહાજ શરૂ થતાની સાથે ર૬ દિવસમાં જ ખોટકાયું છે. જેથી તેની ખરીદીમાં કૌભાંડની આશંકા સામે આવી છે. ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસમાં ઉપયોગી જહાજ મધદરિયે જ બંધ પડ્યું હતું. જેને બીજા જહાજ મારફતે કીનારા પર લાવવામાં આવ્યું હતું. લોકોમાં ચર્ચા છે કે, ર૦ મિલિયન ડોલરમાં ખરીદાયેલું જહાજ ર૬ દિવસમાં જ ખોટકાયું છે જેથી વાયેજ સિમ્ફની જહાજ ખરીદમાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. જો કે, આ જહાજ ખૂબ જ અત્યાધુનિક ટેકનિકવાળું ખરીદાયું હતું વળી તે ૧રપ કરોડના ખર્ચે ખરીદાયેલ જહાજ બંધ પડે તે માનવામાં આવતું નથી. વળી દરિયામાં એક એન્જિનવાળા જહાજો પણ બંધ પડતાં નથી તો આ અત્યાધુનિક જહાજ કેમ બંધ પડે છે ?? તેવા પ્રશ્નો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. કારણ કે દરિયામાં મહિનાઓ સુધી એક એન્જિનવાળા જહાજ મુસાફરી ખેડે છે. ચીન હોય તો આટલી કિંમતમાં ઘોઘા-દહેજ વચ્ચે દરિયામાં બ્રિજ બાંધી દે તેવું લોકમુખે ચર્ચાએ વેગ પક્યો છે.
ઘોઘા-દહેજ રોપેક્ષ સેવાને વિઘ્નોનું ગ્રહણ સતત નડતુ રહ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ ૭૦૦ કરોડ જેટલો ખર્ચ કરી દેવામાં આવ્યાં છે. તો પણ આ સેવાને કંઇને કંઇ પ્રશ્ન આવી જાય છે. આ સેવા માટેનું જહાજ વોયેજ સિમ્ફની ૨૦ મિલિયન ડોલર એટલે કે, રૂપિયામાં જોઇએ તો આશરે ૧૨૫ કરોડમાં ખરીદેલું છે. ત્યારે તેમાં પણ ખામી આવવાને કારણે લોકોમાં ઘણી આશંકાઓ સેવાઇ રહી છે. આટલું મોંઘુ જહાજ ખરીદવામાં મોટા માથાઓએ કૌભાંડ આચર્યાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે.