અમદાવાદ,તા.૧૦
ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસ દ્વારા ઘટનાને ઉકેલવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. કચ્છના રાજકારણમાં કિંગ ગણાતા જયંતિ ભાનુશાળીની હત્યાના પગલે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉભી થઇ છે. આ ઘટનાને હજી બે દિવસ થયા છે પરંતુ તેમાં પોલીસને કેટલીક મહત્વપૂર્ણ કડીઓ સામે આવતી જાય છે. ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળી કેસમાં હવે હત્યારાઓ સુધી પહોંચવા માટે સ્કેચનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ કેસમાં સુરતના એક મુસાફરે હત્યારાઓને જોયા હોવાની વિગત સામે છે. આ મુસાફરનું નિવેદન લઇને તેના આધારે સ્કેચ તૈયાર કરવામાં આવશે, જેથી પોલીસને હત્યારાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે. રેલવે પોલીસે હાલ હત્યારાઓના ૨ સ્કેચ તૈયાર કર્યા છે, જે સુરતના પેસેન્જર અને એટન્ડન્ટના જણાવ્યા અનુસાર આ સ્કેચ તૈયાર કરાવવામાં આવ્યા છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિનો રંગ ઘઉંવર્ણો અને પાતળો છે, જ્યારે બીજો વ્યક્તિ ઉંચો અને રૂપાળો દેખાઇ રહ્યો છે. આ સ્કેચને જાહેર કરશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધી ૪ સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. આ કેસમાં રેલવે ટીસી અને એટેન્ડન્ટની પુછપરછ કરાઇ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોચના ડબ્બામાંથી જે અવાજ આવ્યો હતો, તે ફાયરિંગનો હતો, પરંતુ અમે રેલવેના બારીનો કાચ તૂટ્યો હોવાનું સમજ્યા હતા. પોલીસને આ કેસમાં હત્યારાઓએ બે હથિયારનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ જયંતી ભાનુશાળી પાસેથી ફેક આઈડી કાર્ડ મળી આવ્યું છે. તેમની પાસે રહેલા આઈડી કાર્ડમાં ફોટો તેમનો હતો પરંતુ નામ અને એડ્રેસ અન્ય વ્યક્તિના છે.