અમદાવાદ, તા.રપ
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર ડાયેટ અમદાવાદ શહેર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ શહેરના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ બોર્ડના ચેરમેનના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગ માટે શહેર કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ર૦૧૭નો ઉદ્‌ઘાટન સમારોહ તા.રપ/૦૯/ર૦૧૭ના રોજ સરસપુર શાળા નં.૩/૪ સરસપુર હિન્દી ૪ સરસપુર ખાતે સવારના ૧૦ઃ૩૦ કલાકે અમદાવાદ મહાનગરના મેયર ગૌતમ શાહની અધ્યક્ષતામાં યોજાઈ ગયો.
સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ આપી જણાવ્યું કે આ બાળ વૈજ્ઞાનિક આગળ જઈ કોઈપણ પરિસ્થિતિનું નિયંત્રણ લાવી શકશે. પ્રવર્તમાન સમયમાં ઊભી થયેલા સ્વાસ્થ્ય અને સુખાકારી, અન્ન સુરક્ષા, કચરાનું વ્યવસ્થાપન અને જળસ્ત્રોતની જાળવણી જેવા વિષયોને લઈ રજૂ થયેલ કૃતિઓ દ્વારા નિરાકરણ શક્ય બનશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મેયરે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે વિશ્વના મહાન વૈજ્ઞાનિકો તેમનામાં રહેલી જીજ્ઞાસાવૃત્તિ તેમજ અવનવા માનવ ઉપયોગી સંશોધન કરીને જ મહાન બન્યા છે. સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ જે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે તે સિદ્ધિ ખાનગી શાળાના બાળકો પણ પ્રાપ્ત નથી કરી શકતા. તમે પણ વિજ્ઞાન વિષયમાં રસ દાખવશો તો શાળાનું-શહેરનું તથા દેશનું નામ ઉજ્જવળ કરી શકશો. આ કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વિજ્ઞાન એ ફક્ત પુસ્તકીયું જ્ઞાન નથી. આમાં પ્રેક્ટીકલ કાર્ય કરવું જ પડે તો જ સારું મળે.