(એજન્સી) ચેન્નાઈ, તા.૧પ
બંગાળના અખાતમાં તોફાની ચક્રવાત ‘ગાઝા’ અહીંથી લગભગ ૪૭૦ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં સ્થિર થયું છે અને આજે કુડ્ડલુર અને પમ્બાનના પશ્ચિમી ભાગે ત્રાટકી શકે છે. જેથી તામિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગાઝા’ ગુરૂવાર સાંજે અથવા રાત્રે પમ્બાન અને કુડ્ડલુર વચ્ચે તટીય ક્ષેત્રને ઓળંગી શકે છે. એ દરમિયાન ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તામિલનાડુ સરકારે પહેલેથી ૩૦પ૦૦ બચાવકર્મીઓ ગોઠવવાની જાહેરાત કરી છે. બીજી બાજુ તંજૌર, તિરૂવરૂર, પુડુકોટ્ટાઈ, નાગપટ્ટિનમ, કુડ્ડલુર અને રામનાથપુરમમાં ગુરૂવારે શાળાઓ-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય જળ પંચે બંધો ઉપર સતત નિગરાની રાખવા સલાહ આપી છે અને આના અનુસંધાને તામિલનાડુના મહેસૂલ મંત્રી આર.બી. ઉદયકુમારે પત્રકારોને જણાવ્યું કે, બંધો, ઝરણાઓ અને નદીઓ પર સતત નિગરાની રાખવામાં આવી રહી છે. એમણે કહ્યું કે, ભારે વરસાદથી ર૪ કલાકથી પણ ઓછા સમયમાં બધા બંધો અને જળાશયો ભરાઈ શકે છે. સરકારે તેલનો પુરવઠો પૂરો પાડતી કંપનીઓને જણાવ્યું કે એમણે બળતરનો પૂરતો સ્ટોક રાખવો. બીજી બાજુ ભારતીય નૌસેનાને પણ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે. નૌસેના મુજબ બે ભારતીય નૌસૈનિક જહાજો રણવીર અને ખંજરને ગોઠવવામાં આવ્યું છે. એ ઉપરાંત વધારાના ગોતાખોરો, ડોક્ટરો, હવાવાળી રબ્બરની હોડીઓ, હેલિકોપ્ટરો અને અન્ય રાહત સામગ્રી સાથે વહીવટને સાબદું કરવામાં આવ્યું છે.
સરકારે મોબાઈલ સેવાઓ પૂરી પાડતી કંપનીઓને જણાવ્યું છે કે, એમણે પોતાના સંસોધનોની પૂર્ણ ચકાસણી કરી લેવી જોઈએ જેથી આપત્તિના સમયમાં માહિતીની આપ-લે કરી શકાય.