(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત શહેરના શાહપોર ખાતે આવેલી સર જે.જે. સ્કૂલ ખાતે ધોરણ ૮ પાસ કરનારા અને ઓછી ટકાવારી મેળવનારા વિદ્યાર્થીઓને ધો. ૯માં પ્રવેશ ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના શાહપોર વિસ્તારમાં આવેલી સર જે.જે. સ્કૂલના સંચાલકો દ્વારા પોતાની સ્કૂલના જ ધોરણ ૮ના વિદ્યાર્થીઓને ધોરણ ૯માં પ્રવેશ ન આપતા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો. સર જે.જે. સ્કૂલની ઓફિસ ખાતે આજે મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થયા હતા. જે વિદ્યાર્થીઓ નર્સરી, જુનિયર, સિનિયર કેજીથી ભણતા હતા તેવા જૂના વિદ્યાર્થીઓને પણ ધોરણ ૯માં શાળા સંચાલકો દ્વારા ઓછી ટકાવારીનું કારણ આપી પ્રવેશ ફાળવ્યો ન હતો. ધોરણ-૮માં ઓછું પરિણામ મેળવનારા સર જે.જે. સ્કૂલના વિદ્યાર્થીઓને સર જે.જે. સ્કૂલ દ્વારા જ ધોરણ-૯માં પ્રવેશ ન ફાળવતા અન્ય સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો મુશ્કેલ બન્યો છે. આજે સવારે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો.