(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરના વેડરોડ ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મરાઠી મધ્યમની શાળા નંબર ૧૮૦માં આજે મેઇન ગેટ પડી જવાના કારણે ત્યાં રમી રહેલા બે વિદ્યાર્થીઓ ઉપર પડતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેડરોડ ઉપર આવેલ પ્રભુ નગર-રમાં રહેતો દેવેશ રંજન મોરે ઉ.વ.૮ અને મીના નગરમાં રહેતો મહેશ અશોક પાટીલ ઉ.વ.૮ બંને વેડરોડના લક્ષ્મી નગરમાં આવેલ પાલિકા સંચાલિત શાળા નંબર ૧૮૦ મરાઠી માધ્યમમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. દરમિયાન આજે સવારે રિસેસના સમયે આ બંને વિદ્યાર્થીઓ બહાર મુખ્ય ગેટ પાસે રમતા હતા ત્યારે અચાનક લોખંડનો ગેટ તેમના ઉપર પડી ગયો હતો. આ ઘટનામાં દેવેશને પગના ભાગે ઇજા થઇ હતી. જ્યારે મહેશને માથાના ભાગે વાગતા તેને ખેંચ આવા લાગી હતી અને ઉલ્ટીઓ થતી હતી. ઘટનાના પગલે ત્યાં રમી રહેલા અન્ય વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. તેમજ આચાર્ય મહેશભાઇ સોનવણે તથા વર્ગ શિક્ષક સહિત અન્ય શિક્ષકો સ્થળ ઉપર દોડી ગયા હતા અને બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં શાળામાં જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ત્યારબાદ મહેશને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હવોાને લીધે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.બીજી બાજુ આ ઘટના અંગે ખબર પડતા વિદ્યાર્થીઓના વાલીઓ સમીમેર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને તેઓએ આચાર્ય તથા શિક્ષકોનો બેદરકારીના આક્ષેપ કરી ઉઘડો લીધો હતો. વધુમાં ઘટના અંગે ખબર પડતા શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખભાઇ વિદ્યાર્થીઓની ખબર અંતર પુછવા માટે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. શાળાની બિલ્ડિંગ ૩-૪ વર્ષ પહેલા જ બની છે. બિલ્ડિંગના ગેટ નવા હોવા છતાં આ પ્રકારની ગંભીર ઘટના બનવા પામી છે. ઘટનાને લઇને વાલીઓમાં પણ રોષ દેખાઇ રહ્યો છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા ઉપર સવાલ ઉભી થઇ રહ્યા છે.