(એજન્સી) ધનોરા, તા.૧૯
ચૂંટણી વાતાવરણમાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આજે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર બંધ થઈ ગયો છે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે દુર્ગ ગ્રામીણ વિધાનસભા વિસ્તારની એક શાળામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જાણવા મળ્યું છે કે આ સ્કૂલ ભાજપ નેતા રવિ કુશવાહાની છે. લોકોએ આ આશંકા વ્યક્ત કરી છે કે આ દારૂ મતદારોને વહેંચવા માટે રાખ્યો હશે અને પ્રચાર બંધ થયા પછી લોકોને પહોંચાડવામાં આવતો. હાલમાં આબકારી વિભાગની ટીમ કાર્યવાહી કરી રહી છે. મળેલી જાણકારી અનુસાર આજે સાંજે ચૂંટણી પંચના ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમને ધનોરા સ્થિત લેન્ડમાર્ક પબ્લિક સ્કૂલમાં દારૂ રાખવાની સૂચના મળી. સૂચનાના આધારે ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે સ્કૂલમાં તપાસ કરી અને ત્યાંથી દારૂની ૬૦૦ પેટી જપ્ત કરી. ચૂંટણી પંચની ટીમે આબકારી વિભાગને મામલાની જાણકારી આપી દીધી છે. આબકારી વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી રહી છે.