અમદાવાદ,તા.૬
રાજયમાં શાળા સંચાલકો અન્ય રાજ્યોના નિયમ બતાવી ગરીબ બાળકોને એડમીશન માટે ઇન્કાર કરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. આરટીઇ હેઠળ એડમિશનનો મામલે અમદાવાદની ઉદગમ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. શહેરની ઉદગમ સ્કૂલે ૩૫ જેટલા ગરીબ બાળકોને એડમીશન નહીં આપ્યા બહાર આવ્યું છે. જેને પગલે શિક્ષણ વિભાગે ઉદગમ સ્કૂલને નોટિસ ફટકારી છે. બીજીબાજુ, આરટીઇ હેઠળ રાજયમાં પ્રવેશનો બીજો રાઉન્ડ તા.૨ જી જૂનથી શરૂ કરવાની જાહેરાત કરનાર સત્તાવાળાઓની સમયમર્યાદા પર ચાર દિવસ વીતી ગયા હોવાછતાં હજુ સુધી બીજા રાઉન્ડની જાહેરાત નહી થતાં વાલીઓમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ અંગે સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા રાજયના શિક્ષણવિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામક સહિતના સત્તાધીશોને રજૂઆત કરી તાત્કાલિક આરટીઇ હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ કરવા માંગણી કરી છે. આરટીઇ એકટની જોગવાઇ મુજબ, દરેક શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના ૨૫ ટકા બાળકો માટેની બેઠક અનામત રાખવી ફરજિયાત છે અને સરકારના સત્તાવાળાઓની પ્રક્રિયા અનુસાર આવા જરૂરિયાતમંદ બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો હોય છે પરંતુ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્‌ગમ સ્કૂલ દ્વારા ૩૫ જેટલા બાળકોને કાયદાની જોગવાઇઓનો ભંગ કરીને પ્રવેશ આપવાનો સાફ ઇન્કાર કરી દેવાતાં નવો વિવાદ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ડીઇઓ દ્વારા આગામી ત્રણ દિવસમાં પ્રવેશ આપી જાણ કરવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. પરંતુ હાલ તો વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ એડમિશન ના મળતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. દરમ્યાન સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે આરટીઇ હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની હજુ સુધી જાહેરાત નહી થતાં આ સમગ્ર મામલે શિક્ષણ સત્તાવાળાઓ સહિતના સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા તા.૧૮-૫-૨૦૧૮ના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર કરાયો હતો અને તેમાં ૮૦,૧૯૯ બાળકોને પ્રવેશ ફાળવાયો હતો, બાકીના ૪૫,૫૩૦ બાળકોને પ્રવેશના બીજા રાઉન્ડમાં સમાવાશે તેવું જાહેર કરાયું હતું. એટલું જ નહી, સરકારના સત્તાવાળાઓએ તા.૨ જી જૂનથી આરટીઇ હેઠળનો પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી પરંતુ તે સમયમર્યાદા વીત્યે ચાર દિવસ વીતી જવાછતાં હજુ સુધી સત્તાવાળાઓ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરાઇ નથી. જે બાળકોના પ્રવેશ મંજૂર કરાયા નથી, તેમના વાલીઓ ડીઇઓ અને ડીપીઇઓ કચેરીનો સંપર્ક કરી રહ્યા છે પરંતુ તેમના તરફથી કોઇ સંતોષકારક જવાબ અપાતો નથી અને તેથી વાલીઓની હાલત કફોડી બની છે ત્યારે શિક્ષણ સત્તાધીશોએ તાત્કાલિક બીજા રાઉન્ડનો પ્રવેશ શરૂ કરવો જોઇએ કારણ કે, તા.૧૧મી જૂનથી મોટાભાગની શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની પરિસ્થિતિ સમજી તાકીદે આ મામલે નિર્ણય લઇ જાહેરાત સરકારે કરવી જોઇએ.