(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૧
શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી શિક્ષીકાએ ગતરોજ મોડી રાત્રે કાપોદ્રા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શિક્ષીકાએ આશાપીદ સ્કૂલને સોશિયલ મિડીયામાં બદનામ કરનાર અલ્પેશ ડોંડા અને લલીત ડોંડા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને આશાદિપ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતાએ ગતરોજ મોડી રાત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શિક્ષીકાએ પોલીસને જણાવ્યું હતું કે આશાદિપ વિદ્યાલયમાં ધો.૯માં અભ્યાસ કરતા જયના વાલી ભાઇલાલભાઇ અવાર નવાર તેણીનો પીછો કરતો હતો. ભાઇલાલભાઇ સ્કૂલ બહાર ઊભા રહી તેણીને આંખ મારી ને ચેનચાળા કરતા હતા જોકે ત્યારબાદ પણ શિક્ષીકાએ તેને ભાવ આપ્યો ન હતો. જેથી આખરે ભાઇલાલ ભાઇએ સરથાણા જકાતનાકા પાસે ખોડિયાર કૃપા બાબુભાઇ ડોંડા અને લલીત બાબુભાઇ ડોંડા સાથે મળીને આશાદિપ સ્કૂલને બદનામ કરવાનું શરુ કર્યું હતું. ત્રણેય ભેગા મળી પોતાના ફેસબુક એકાઉન્ટ પર શિક્ષીકાના નામનો અભદ્ર અને ક્ષોભ જનક ચારિત્ર લક્ષી આક્ષેપો કરતો અલગ અલગ વિડીયો વાઇરલ કર્યો હતો અને શિક્ષિકાને તથા સ્કૂલને બદનામ કરી હતી. જેથી આખરે શિક્ષિકાએ ગતરોજ મોડી રાત્રે કાપોદ્રા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ લખાવતા પોલીસે ભાઇલાલ અલ્પેશ અને લલીત સામે છેડતીનો તથા શિક્ષિકાને બદનામ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.