(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૩
ચાણસ્મા તાલુકાના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઝીલિયા ખાતે ધો.૯માં અભ્યાસ કરતા અને આશ્રમમાં આવેલ હોસ્ટેલમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓ ચેકડેમમાં ન્હાવા પડતાં ઉડા પાણીમાં ગરકાવ થઈ જતાં ત્રણેય કમનસીબ વિદ્યાર્થીઓનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. શાળા સંચાલકો દ્વારા ઘટનાની જાણ પોલીસને સમયસર કરવામાં આવી ન હતી તેમજ તાલુકા અને જિલ્લાના વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા મૃતકોની લાશ શોધવાની કામગીરી સમયસર કરવામાં ન આવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
ધો.૯માં અભ્યાસ કરતા બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામના સાહિલ હસમુખભાઈ પરમાર, ચાણસ્મા તાલુકાના મીઠીધારીયાલ ગામના મૌલિક ભરતભાઈ રાવળ અને હારીજ તાલુકાના સાંકરા ગામના શૈલેષ મફતલાલ પરમાર તમામ (ઉ.વ.૧૪)નું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બપોરના સમયે બનેલ ઘટનાની જાણ શાળા સંચાલકો દ્વારા પોલીસને તેમજ વહીવટી તંત્રને કરવામાં આવી ન હતી. જેથી વાલીઓના ટોળાએ ઘટના સ્થળે પહોંચી ભારે દેકારો મચાવ્યો હતો. જેથી આશ્રમમાં અફડાતફડીનો માહોલ સર્જાતા પોલીસની મદદ લેવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા મૃતકની લાશ કાઢવા માટે સમયસર કામગીરી ન થઈ હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. મોડીરાત્રે ધાણોધરડા ગામના સ્થાનિક તરવૈયા મારફતે ત્રણેયની લાશ બહાર કાઢવામાં આવી હતી. મૃતકના વાલીઓના જણાવ્યા પ્રમાણે તેમની ઘટનાસ્થળે હાજરી હોવા છતાં પોલીસે તેમની સંમતિ લીધા સિવાય ચાણસ્મા સરકારી દવાખાને તમામ ત્રણ વિદ્યાર્થીઓનું પોસ્ટમોર્ટમ કરાવી દેતાં વાલીઓએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જેની જાણ રાધનપુર ડીવાયએસપી ઝાલાને થતા તેઓએ ઘટના સ્થળે દોડી જઈ સમજાવી આ બાબતે શાળા સંચલકો જવાબદાર હશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપતા લાશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને પરમાર હસમુખભાઈ રામાભાઈ રહે.ચંદ્રોડા, તા.બેચરાજીવાળાની ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી.
કોની સામે ફરિયાદ થઈ
(૧) વણકર પાલાભાઈ
(ર) પટેલ ભગવતીબેન દેવશીભાઈ-પ્રિન્સીપાલ
(૩) રબારી જશુભાઈ કાનજીભાઈ (સંચાલક)