(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
વડોદરા જિલ્લાના પાદરાનગરમાં આવેલ ડીડી પટેલ શારદા હાઇસ્કૂલમાં પાર્ક કરેલી સ્કૂલ વાનમાં આજે સવારે અચાનક આગ લાગવા પામી હતી. વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉતારી દીધા બાદ પાર્ક કરેલ સ્કૂલવાનમાં આગ લાગતા વાન બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નથી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, આજે સવારે રાબેતા મુજબ શાળાના બાળકોને સ્કૂલે લઇને આવતી ડીડી પટેલ શારદા હાઇસ્કૂલની સ્કૂલ વાન શાળાના કંપાઉન્ડમાં પહોંચી હતી. જ્યારે બાળકોને નીચે ઉતાર્યા હતા. વિદ્યાર્થીઓને નીચે ઉતરી ગયા બાદ ઊભેલ સ્કૂલવાનમાં અચાનક આગળનાં ભાગે શોર્ટસર્કિટને પગલે આગ ભભૂકી ઉઠી હતી. કોઇ સમજે તે પહેલા વાનનો મોટાભાગનો હિસ્સો આગની લપેટમાં આવી ગયો હતો. સળગતી કારને જોઇને શાળાના સંચાલકો તેમજ શિક્ષકો દોડી આવ્યા હતા. તેમજ લોકટોળા ભેગા થઇ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતાં દોડી આવેલ ફાયર બ્રિગેડની ટીમે ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.