અમદાવાદ,તા.ર
કેન્દ્ર સરકાર તરફથી ધાર્મિક લઘુમતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત તો કરવામાં આવી પરંતુ સરકારની અધિકૃત વેબસાઈટ જ ન ખુલતા દસ દિવસ થયા છતાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા નથી આથી આ વેબસાઈટ અપડેટ કરી વહેલામાં વહેલીતકે ચાલુ કરવા માગ ઉઠી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમાએ રાજયના સમાજ કલ્યાણ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર તરફથી વર્ષ ર૦૧૮-૧૯ માટે સ્કોલરશીપના અરજી પત્રકો ભરવાની જાહેરાત ર૩-૭-ર૦૧૮ના રોજથી કરવામાં આવી છે. આ સ્કોલરશીપ ઓનલાઈન ભરવાની હોવાથી સરકાર તરફથી અધિકૃત કરેલ વેબસાઈટ www.scholarships.gov.in પર ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ જાહેરાત કર્યે દસ દિવસ થયા છતાં આજદીન સુધી વબેસાઈટ ખુલતી નથી તેમજ સર્વર પણ કામ કરતું નથી. વિદ્યાર્થીઓ સમય ફાળવી વેબસાઈટ ઓપન કરવા મથામણ કરે છે. પરંતુ તેમને નિરાશા જ સાંપડે છે. આથી વિદ્યાર્થીઓ સમયસર ફોર્મ ભરી શકે તે માટે તાત્કાલિક ધોરણે વેબસાઈટ અપડેટ કરી ચાલુ કરવા તેમણે માગણી કરી છે.