(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા. ૩
એસસી.એસસી એક્ટમાં નોંધનીય ફેરફાર સાથેની માર્ગદર્શિકા જારી કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં ગઇકાલે દલિત સમાજ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનમાં કોંગ્રેસે દલિતોને જાહેર ટેકો આપ્યો હતો અને ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સરકારને દલિતો પર અત્યાચાર મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજીબાજુ, આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા એસસી-એસટી એકટમાં કરાયેલા સુધારા અને ફેરફારના વિરોધમાં એક મહત્વનું આવેદનપત્ર આજે ગુજરાત રાજયના રાજયપાલ ઓમપ્રકાશ કોહલીને સુપ્રત કરવામાં આવ્યુ હતું. કોંગ્રેસે એસસી-એસટી એકટમાં કરાયેલા ફેરફાર અને સુધારાને લઇ પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્યો સી.જે.ચાવડા સહિતના આગેવાનોના પ્રતિનિધિમંડળે આજે દલિતોના હિત અને સુરક્ષા પર તરાપ સમાન ગણાવી એસસી-એસટી એકટમાં બદલાવ સામે વિરોધ વ્યકત કરતું આવેદનપત્ર રાજયપાલ ઓ.પી.કોહલીને સુપ્રત કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ એકસૂરમાં એસસી-એકટના સુધારા સામે પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજયભરમાં બંધના એલાનના મિશ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા પરંતુ હિંસક બની રહ્યું હતું. અમદાવાદ શહેર સહિત અત્રે નોંધનીય છે કે, રાજયભરમાં રોષે ભરાયેલા દલિત સમાજના લોકોએ જાહેરમાં રસ્તા પર આવી જઇ એએમટીએસ બસ, એસટી બસ, પોલીસ વાન સહિતની જાહેર મિલકતોને નુકસાન, તોડફોડ અને આગચંપીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, જેને લઇ બપોર પછી શહેર સહિત રાજયભરમાં અંજપાભરી સ્થિતિ જોવા મળતી હતી. દલિત સમાજમાં ઉગ્ર આક્રોશ ભભૂકેલો જોઇ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ કોંગ્રેસ દલિતોના આ જલદ મુદ્દાને સહેજપણ છોડવા માંગતી નથી અને સરકારને ભેખડે ભરાવવાના ભરપૂર પ્રયાસો કરી રહી છે, તેના ભાગરૂપે જ કોંગ્રેસ દલિતોના મુદ્દે રાજકારણ ગરમ રાખી રહી છે.