(એજન્સી) તા.૨૧
એસસી / એસટી એક્ટની જોગવાઈઓને નબળી કરવા અંગે દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશન અંગે ટિપ્પણી કરતાં કેન્દ્રીયમંત્રી રામ વિલાસ પાસવાને શુક્રવારે કહ્યું હતું કે એસસી/એસટી એક્ટમાં કોઈપણ પ્રકારના પરિવર્તનને નહીં સ્વીકારીએ. તેમણે કહ્યું કે જો સુપ્રીમકોર્ટ એસસી/એસટી એક્ટ વિરુદ્ધ ચુકાદો આપશે તો કેન્દ્ર સરકારને આ મામલે વટહુકમ લાવવો જોઈએ. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર એપ્રિલ મહિનામાં ટોચની કોર્ટમાં ગઈ હતી અને એસસી/એસટી એક્ટમાં તાત્કાલિક ધોરણે ધરપકડ ન કરવાના આદેશ પર ફરીવાર વિચારણાં કરવા અપીલ કરી હતી. ૨૦ માર્ચે દેશની ટોચની અદાલતે કહ્યું હતું કે ઘણાં અવસરે જોવામાં આવ્યું કે નિર્દોષ લોકોને દોષી બનાવી દેવાય છે અને તેમના પર આરોપ મૂકી દેવાય છે અને તેમની ફરજ બજાવવા દેવાતી નથી. આ કાયદાને અનુરૂપ નથી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગેની ચર્ચામાં સામેલ થતાં રામવિલાસ પાસવાને કહ્યું કે જો સુપ્રીમકોર્ટ વિરોધી ચુકાદો આપશે તો અમારી સરકાર વટહુકમ લાવશે. લોક જનશક્તિ પાર્ટીના નેતાએ કહ્યું કે જજોની નિમણૂંક કરવા માટે અનામત લાગુ કરવાની માગણી કરીએ છીએ. પાસવાને નિયુક્તિ પ્રક્રિયા પર માગ કરતાં કહ્યું કે આઈએએસ અને આઈપીએસની જેમ જજોની નિમણૂંક માટે ન્યાયિક સર્વિસ બને. તેમણે કહ્યું કે દલિતોને પણ જજ બનવાની તક મળવી જોઈએ. સંસદમાં પણ તેમણે મહિલાઓ માટે અનામતની માગણી કરી હતી અને કહ્યું કે મહિલાઓના અનામતના મુદ્દે હું પણ તૈયાર છું પણ શું સપા અને બસપા મહિલા ક્વોટા માટે તૈયાર છે ?
રામવિલાસ પાસવાને કહ્યું-સુપ્રીમકોર્ટ SC/ST એક્ટ વિરુદ્ધ ચુકાદો આપે તો કેન્દ્ર સરકારે વટહુકમ લાવવો જોઇએ

Recent Comments