બેંગલોર,તા.૨૭
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી વનડે મેચ આવતીકાલે બેંગલોરમાં રમાનાર છે. શરૂઆતની ત્રણેય વન ડે મેચ જીતી ભારતે આ શ્રેણી ૩-૦થી જીતી લીધી છે. જેથી આવતીકાલની મેચ ઔપચારિકતા સમાન રહી શકે છે. જો કે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી હવે ૫-૦થી જીતી લેવાની યોજના ધરાવે છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા તેની છાપને અને લાજને જાળવી રાખવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. બન્ને ટીમોમાં એકથી એક સ્ટાર ખેલાડી હોવાથી ક્રિકેટ ચાહકોને આ શ્રેણીમાં જોરદાર જગ જોવા મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જો કે પ્રથમ ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાના તમામ ધરખમ ખેલાડી અને ભારતના સ્ટાર ખેલાડી પણ પોતાની ક્ષમતા સાથે રમી શક્યા નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકામાં તેની જ જમીન પર તેની સામે વનડે શ્રેણી૫-૦થી જીતી લીધી હતી. જેથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વધુ ઉંચા નૈતિક જુસ્સા સાથે ઘરઆંગણેની વનડે શ્રેણીમા મેદાનમાં ઉતનાર છે.