(સંવાદદાતા દ્વારા) રાજકોટ, તા.૨૯
શહેરના આજી-ન્યારી ડેમ પર સેલ્ફી ખેંચવા જતા મોત થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. થોડા દિવસો પૂર્વે જ ન્યારી ડેમમાં સેલ્ફી લેવા જતા બે યુવાનના ડૂબી જવાથી મોત નિપજ્યાનું સામે આવ્યું હતું. જેને પગલે વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ અટકાવવા ફાયર સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ દ્વારા આજી-ન્યારી તેમજ અટલ તળાવ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શહેરમાં આજી અને ન્યારી ડેમ લોકોને ફરવાના પ્રિય સ્થળ છે. ત્યારે જન્માષ્ટમીની રજાઓમાં આ બંને ડેમ પર દર વર્ષની જેમ ભીડ જામશે તે નિશ્ચિત છે. જેમાં આજીડેમ સિંચાઈ વિભાગની દેખરેખમાં હોઈ ગ્રીલ અને રેલીંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ન્યારી-૧ ડેમ મનપાની દેખરેખમાં હોઈ ત્યાં નવી સુરક્ષા મુકવામાં આવનાર છે. આ બંને ડેમ સાઈટ સહિત અટલ સરોવર પર હવે મુલાકાતીઓને સેલ્ફી લેવાની મનાઈ ફરમાવતા બોર્ડ મૂકી દેવામાં આવશે.