(એજન્સી) મેલબોર્ન તા. ૨૨
ઓસ્ટ્રેલિયામાં ભણતા એક ભારતીય વિદ્યાર્થીએ સમુદ્ર કિનારાની એક ભયનજક ભેખડ પર સેલ્ફિ લેવાની લાલચમાં જીવ ગુમાવ્યો છે. તે ખડક પરથી સમતોલન ગુમાવતા, સમુદ્રમાં પડીને ડુબી ગયો હતો. ૨૦ વર્ષીય અંકિત આ દુર્ઘટના સમયે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના એક પ્રવાસન સ્થળે હતો. અને તે લપસીને તે ખડક વચ્ચેની ૪૦ મિટર ઊંડી તિરાડમાં પડયો હતો. આ ઘટના પ્રવાસન સ્થળ અલ્બેનીમાં બની હતી. તે પર્થમાં અભ્યાસ કરતો હતો. તે લપસ્યો તે પૂર્વે તે ખડક પર દોડતો-કુદતો હતો. તે દરમ્યાન તે લપસ્યો હતો અને સમતોલન ગુમાવીને નીચે સમુદ્રમાં ગરક થઈ ગયો હતો. ગુરૃવારે તે મિત્રો સાથે ફોટાઓ પણ લઈ રહ્યો હતો. રાહતના હેલિકોપ્ટરની સહાયથી એક કલાકની તપાસ બાદ તેના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલીયન પોલીસ તેના મા-બાપનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના ગ્રેટ સાઉથર્ન ડિસ્ટ્રીક્ટના પોલીસ વડાએ માહિતી આપી હતી કે ‘એક યુવાને સમુદ્રમાં ડુબી જવાથી તેનું જીવન ગુમાવ્યું છે.