(એજન્સી) કાબુલ, તા.ર૮
અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતમાં તાલિબાન આતંકીઓ પર હવાઈ હુમલામાં પચાસથી વધુ તાલિબાની આતંકીઓનાં મોત થયા છે, જ્યારે દસથી વધુ ઘાયલ થયા છે. અફઘાન સેનાના પ્રવક્તા મોહમ્મદ હનીફ રેઝાઈએ કહ્યું કે, તાલિબાન આતંકીઓના એક સમૂહે સૈન્ય કાફ્લાને નિશાન બનાવવા માટે એક માર્ગને અવરોધ્યો હતો. જેથી સરકારી દળોએ આ આતંકીઓ પર ઘણા હવાઈ હુમલાઓ કર્યા, જેમાં પ૪ આતંકીઓનાં મોત થયા, જ્યારે ૧૦થી વધુ ઘાયલ થયા છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકીઓમાં તાલિબાનના બે વરિષ્ઠ કમાન્ડર મુલ્લા શાહ વલી અને મુલ્લા કય્યુમનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં વાયુસેના મદદ કરી રહી છે. જો કે, તાલિબાને આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.