નવી દિલ્હી, તા. ૫
ભારતીય રાષ્ટ્રીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે, તે સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકીસાથે કરવા માટે સક્ષમ છે જે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીઓના કેટલાક મહિના પહેલા નિયત છે. ચૂંટણી પંચના કમિશનર ઓપી રાવતે ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યંુ હતું કે, સરકારે ચૂંટણી પંચ પાસેથી રાજ્યો અનેરાષ્ટ્રીય ચૂંટણીઓ સાથે યોજવા માટે જવાબ માગ્યો છે. જ્યારે ચૂંટણી પંચે સરકારને જણાવ્યું છે કે, ઇવીએમ અને વીવીપેએટી મશીનોની ખોટને પૂરવા માટે જરૂરી નાણા જોઇશે જેમાં ઇવીએમ માટે ૩૪૦૦ કરોડ અને વીવીપીએટી માટે ૧૨૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે. રાવતે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે બે કંપનીઓને આ માટે ઓર્ડર આપી દીધા છે અને તેની ડીલીવરીની શરૂઆત પણ થઇ ચૂકી છે. તેમના અનુસાર આ ડીલીવરી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી પૂરી થઇ જશે તેથી તે લોકસભા અને રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એકીસાથે કરવા માટે સક્ષમ છે.
દરમિયાન મોટા ભાગના રાજ્યો ચૂંટણીના આરે આવી ગયા છે અને સપ્ટેમ્બર માસ સુધી તેમની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થઇ જશે. ગુજરાતમાં આ મહિને ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે જ્યારે કર્ણાટકમાં આગામી વર્ષે મે મહિનામાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. આજ રીતે હિમાચલપ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં પણ સમયાનુસાર ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. મિઝોરમમાં આગામી વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એકીસાથે યોજવાનો મોદી સરકારનો ેએજન્ડા રહ્યો છે જોકે, આમાં કોઇ રાજકીય સર્વસંમતિ સધાઇ નથી જ્યારે મોટાભાગના પક્ષો સરકારના આ વલણથી ઘણા દૂર છે. ભારતમાં ચૂંટણી યોજવી એ ચૂંટણી પંચ માટે એક અત્યંત કપરી પરીક્ષા સમાન છે જે ઉત્તરપ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી યોજવામાં સક્ષમ નહોતી. ચૂંટણી પંચે આ વર્ષે યોજાયેલી ચૂંટણીઓમાં રાજ્યમાં પાંચ અઠવાડિયાના ગાળામાં સાત તબક્કામાં ચૂંટણીઓ યોજી હતી.જેથી ચૂંટણી પંચની ટીકાઓ પણ થવા માંડી છે કે, તે એક રાજ્યમાં એકીસાથે ચૂંટણી યોજી શકતું નથી તે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ યોજવાની વાતો કરી રહ્યું છે.