(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
વરાછામાં એક બેન્કના સિક્યુરિટી ગાર્ડનું અકસ્માતે ૧૨ બોરની રાયફલમાંથી ગોળી છૂટતા મોત નીપજ્યું હતું. ઘરમાં રાયફલ સાફ કરતા સમયે ગોળી છૂટી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં રહેતા ભગવાનભાઈ ખૂંટ ઘરની ગેલેરીમાં બેસી ૧૨ બોરની રાયફલ સાફ કરી રહ્યા હતા. દરમિયાન અકસ્માતે ગોળી છૂટી ગઈ હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભગવાનભાઈ બેન્કમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા હોવાથી તેમની પાસે રાયફલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાયફલ સાફ કરતી વેળા ગોળી છૂટતા મોત થયું કે પછી બીજું કંઈક કારણ છે એ તપાસ બાદ ખ્યાલ આવશે.