વેલિંગ્ટન,તા.૧૨
શોર્ટ પિચ બોલનો નિષ્ણાંત નીલ વૈગનરની શાનદાર બોલિંગથી ન્યૂઝીલેન્ડે ૨ વરસાદને કારણે બે દિવસ બગડ્યા છતાં બાંગ્લાદેશને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં મંગળવારે અહીં ઈનિંગ અને ૧૨ રનથી પરાજય આપીને એક મેચ પહેલા જ ત્રણ મેચોની સિરીઝ પોતાના નામે કરી લીધી છે. વરસાદને કારણે પ્રથમ બે દિવસની રમત ધોવાઈ હતી પરંતુ તેમ છતાં પણ મેચ રમતના ૫માં અને અંતિમ દિવસ પહેલા સત્રમાં સમાપ્ત થઈ ગયો હતો.
આ રીતે ન્યૂઝીલેન્ડે ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તો પ્રથમવાર સતત ૫ સિરીઝ જીતવામાં પણ સફળ રહ્યું છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ ઈનિંગ અને ૫૨ રનથી પોતાના નામે કરી હતી. વૈગનર (૪૫ રન આપીને ૫ વિકેટ)ના બાઉન્સરનો બાંગ્લાદેશના બેટ્‌સમેન પાસે કોઈ જવાબ ન હતો અને તેની આખી ટીમ ૨૦૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં ૨૧૧ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે મેન ઓફ ધ મેચ રોસ ટેલર (૨૦૦)ની બેવડી સદીની મદદથી પોતાની ઈનિંગ ૬ વિકેટ પર ૪૩૨ રન બનાવીને ડિક્લેર કરી હતી. વૈગનરને ટ્રેન્ટ બોલ્ડનો સારો સાથ મળ્યો જેણે ૫૨ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.