(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
શહેરમાં ભારે ચકચાર મચાવનાર સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગમાં ફરજ બજાવતી મહિલા તબીબે પોતાનું ખોટુ નામ ધારણ કરી,ઓળખ છુપાવી લોકોના ડોક્યુમેન્ટના આધારે બોગસ મેડીક્લેમ બનાવી,મેડિક્લેમના પૈસા પકવતી હોવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું.આ ઘટના અંગે વરાછા પોલીસે નોંધેલી રુા.૧૭ લાખની છેતરપિંડીના ગુનામાં મહિલા તબીબ સહિત બેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સહરા દરવાજા ખાતેની સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગમાં એસો. પ્રોફેસર તરીકે ફરજ બઝાવતા ડો. ઇન્દિરા ખેડકર સામે આઠ મહિના અગાઉ વરાછા પોલીસ મથમાં ફરિયાદ નોંધાઇ હતી. બરોડાના યુવાને વરાછા પોલીસ મથકમાં ૧૭ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં મેડિક્લેઇમનું મોટું કૌભાંડબહાર આવ્યું હતું. એસો. પ્રોફેસર ઇન્દિરા ખેડકર પોતાની ઓળખ છુપાવી ગાર્ગી શાહુ નામની નવી ઓળખ ઉભી કરી મેડિક્લેઇમ કંપનીમાં એજનટ બની હતી.બાદમાં ડો. ઇન્દિરા ખેડકરે લોકોના ડોક્યુમેન્ટના આધારે બોગસ મેડિક્લેઇમ બનાવ્યા હતા. આ દરમિયાન બરોડાના એક યુવાનના મોબાઇલ પર તેના મેડિક્લેમની રકમ પાકી હોવાનો મેસેજ આવતા ાયુવક કંપનીંમાં પહોંચી ગયો હતો. જ્યાં તેણે જણાવ્યું હતું કે, પોતે તો કોઇ મેડિક્લેઇમ લીધો નથી. જેથી બાદમાં તેણે તપાસ કરાવતા જાણવા મળ્યું કે, ગાર્ગી શાહુ નામની મહિલાએ તેનો મેડિક્લેઇમ બનાવ્યો છે. જેના આધારે તપાસ કરતા ગાર્ગી શાહુ નામની મહિલા સુરતની હોવાનું માલુમ પડતા યુવાને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ કરતા આ ગાર્ગી શાહુ બીજુ કોઇ નહીં પરંતુ ઇન્દિરા ખેડકર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે બોગસ મેડિક્લેમ ઉતારી ખોટી રીતે આ મેડિક્લમ પકાવીને પૈસા પડાવી લેતા હોવાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. જો કે, આ ગુનામાં ફરાર ડૉ. ઇન્દિરા ખેડકરને આજે વરાછા પોલીસે ઝડપી લીધી હતી. વરાછા પોલીસે ઇન્દિરા ખેડકર સહિત બેની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.