(સંવાદદાતા દ્વારા) આણંદ/વડોદરા, તા.૧૭
આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામના ત્રણ યુવાનો આજે સવારે મોટરસાયકલ લઈ વડોદરા ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. ત્યારે વડોદરા નજીક સેરખી ગામ પાસે મોટરસાયકલ કેનાલમાં ખાબકી હતી અને એક યુવાનને બચાવી લીધો હતો. જ્યારે અન્ય બે યુવાનો પાણીમાં તણાઈ ગયા હતા. અને લાપતા બન્યા હતા. મળતી વિગતો અનુસાર કોસીન્દ્રા ગામે જાંબુડી તલાવડી વિસ્તારમાં રહેતા ગોપાલ અશોકભાઈ પરમાર, વૈભવભાઈ ઈશ્વરભાઈ વાળંદ અને લક્ષ્મણભાઈ મેલાભાઈ પરમાર વડોદરાની કંપનીમાં નોકરી કરતા હોય તેઓ દરરોજ મોટરસાયકલ પર વડોદરાથી કોસીન્દ્રા અપડાઉન કરે છે. સેરખી ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પાસે મોટરસાયકલ ચાલકે મોટરસાયકલ પરથી કોઈ કારણોસર કાબુ ગુમાવતા મોટરસાયકલ સાથે ત્રણેય યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા હતા. આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તેઓએ ત્રણેય યુવાનોને બચાવવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં લક્ષ્મણભાઈ મેલાભાઈ પરમારે પાણીમાં રહેલું ધુંગુ પકડી લેતા તેનો બચાવ થયો હતો, જ્યારે ગોપાલભાઈ અને વૈભવભાઈ બંને જણા પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રીગેડના લાશ્કરો બોટ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને નવ લાશ્કરો દ્વારા કેનાલમાં દોઢ કિ.મી. સુધી બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાથી બન્ને યુવાનો દુર સુધી તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે, આ બનાવને લઈને વડોદરા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાના સમાચાર કોસીન્દ્રા ગામે જાંબુડી તલાવડી વિસ્તારમાં પહોંચતા તેઓના પરિવારમાં આક્રંદ મચી જવા પામ્યું હતું અને કોસીન્દ્રા ગામના યુવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
લાપતા થયેલા બે યુવાનો ગોરવા બીઆઈડીસીમાં નોકરી કરતા હતા
વૈભવ ઈશ્વરભાઈ વાણંદ (રપ) અને ગોપાલ અશોકભાઈ પરમાર (રર) લાપતા છે. તેઓ ગોરવા બીઆઈડીસીમાં નોકરી કરતા હતા, જેથી બંને વડોદરા આવવા માટે નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી અને લક્ષ્મણ પ્રવીણભાઈ પરમાર (૧૬)ને તેના બે મિત્રો સાથે તેમની કંપની જોવા માટે વડોદરા આવવા માટે નીકળ્યો હતો, પરંતુ લક્ષ્મણનો બચાવ થયો હતો.
પાણીનો પ્રવાહ વધારે હોવાથી નાવડી પણ ખેંચાઈ રહી છે
વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કર બિપીન પટેલે જણાવ્યું હતું કે, ૪ કિ.મી. દૂર સુધી શોધખોળ કરી છે, પણ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. પાણીનો પ્રવાહ વધારે હોવાથી નાવડી પણ ખેંચાઈ રહી છે.