ભરૂચ, તા.૩
ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવેલ ૯ માસની બાળકીનું સિટીસ્કેન કરવા માટે આપેલ એનેસ્થેસિયાનો ઓવરડોઝ અપાતા કમકમાટીભર્યા મોતના બનાવના પગલે ભારે હોબાળો વ્યાપવા પામ્યો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સાઉથ આફ્રિકા વસવાટ કરતા અને હાલ પરીએજ આવેલા ઐયુબભાઈ પટેલ અને તેમના પત્ની સીફાબેન પોતાની ૯ માસની બાળકી ઈકરાને લઈ ખાનગી દવાખાને તબીબી પરિક્ષણ માટે આવ્યા હતા જ્યાંથી સિટીસ્કેન માટે તેમને રીફર કરાતા તેઓ સેવાશ્રમ એનઆરઆઈ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. જો કે, ૯ માસની બાળાને સિટીસ્કેન માટે એનેસ્થેસિયાની જરૂર હોય સેવાશ્રમના ઈન્ચાર્જ બીએચએમએસ તબીબ પવિત એચ. શુક્લા (મૂળ રહે.ભાવનગર)નાઓએ એમ.આર.આઈ. સેન્ટર સંચાલકના મેળાપીપણામાં બિનઅધિકૃત રીતે ૯ માસની ઈકરાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી દેતા એનેસ્થેસિયાના વધુ પ્રમાણના પગલે બાળકીનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું. ઘટનાના પગલે ઈકરાના પરિવારજનો ઉપર આભ ફાટી જવા પામ્યું હતું. પરિવારે હોબાળો મચાવતા ભારે ધાંધલ સર્જાવા પામી હતી. આ અંગે ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસે પણ ઘટનાસ્થળે દોડી આવી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતા બીએચએમએસની ડિગ્રી ધરાવતા પવિત એચ. શુક્લા નામના લેભાગુ તબીબની સ્થળ ઉપર અટકાયત કરી હતી. હોસ્પિટલના ટ્રસ્ટીઓ તાબડતોડ દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સેવાશ્રમ ટ્રસ્ટી મંડળ દ્વારા લેભાગુ તબીબ પવિન શુક્લાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દઈ હાથ ખંખેરી લીધા હતા. જો કે, સેવાશ્રમ હોસ્પિટલમાં અતિમહત્ત્વના ગણાતા તાત્કાલિક સારવાર કેન્દ્રનું બીએચએમએસ ડૉ.પવિત શુક્લા સંચાલન કરી રહ્યો હતો. જે બાબત પણ શંકા ઉપજાવનારી છે.