અમદાવાદ, તા.૧૯
અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલા ઈસ્કોન ગાંઠીયા રથ સહિત કુલ છ દુકાનોને આજે નવા પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પાર્કિંગના મામલે સીલ કરી દેવાતા માલિકોમા ફફડાટ મચી જવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના નવા પશ્ચિમઝોનમા આવેલા એસ. જી. હાઈવે પર કર્ણાવતી કલબની સામે આવેલા ઈસ્કોન ગાંઠીયા રથ સહિતના દુકાનદારો દ્વારા તેમના તેમજ તેમને ત્યાં આવતા મુલાકાતીઓના વાહનો પાર્કિંગ કરવા મામલે સદંતર બેદરકારી દાખવવામા આવી રહી હતી. અગાઉ પણ નવા પશ્ચિમઝોનના એસ્ટેટ વિભાગ તરફથી ઈસ્કોન ગાંઠીયા રથ સહિતના અન્ય છ જેટલા દુકાનદારોને તેમના તેમજ મુલાકાતીઓના વાહનો જાહેર રસ્તા કે ફૂટપાથ ઉપર ન કરવા અંગે વારંવાર ચેતવણી આપવામા આવી હતી આમ છતાં પણ આ ચેતવણીનો અનાદર કરી દુકાન માલિકો દ્વારા સતત મુખ્ય રસ્તા અને ફૂટપાથ ઉપર વાહનો પાર્ક કરવાનુ ચાલુ રાખવામા આવતા આજે નવા પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગ તરફથી પાર્કિંગ વાયોલેશનના મામલે તમામ સાત દુકાનોને સીલ કરી સીલ ન તોડવા અંગેની જાહેર નોટીસ લગાવી દેતા દુકાન માલિકો દોડતા થઈ ગયા છે. બીજી તરફ નવા પશ્ચિમઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહે એક વાતચીતમા કહ્યુ છે કે,થલતેજ વોર્ડમા આવેલી કીચનફાર્મ,ગીફટશ્રી તેમજ એ-વન સાયકલના માલિકો દ્વારા જાહેર રસ્તા ઉપર મુકવામા આવી રહેલા માલસામાનને લઈ લોકોને પડતી મુશ્કેલી નિવારવા માટે સીલ કરવામા આવી છે.