અમદાવાદ,તા.૧૭
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સોમવારની રાતે રોડ પર વાહન પાર્ક કરવાના મામલે શહેરની પ્રતિષ્ઠિત રાજપથ કલબને સીલ મરાયું હતું. એસજી હાઇવેના સર્વિસ રોડ પર વાહન પાર્ક કરવાના મામલે તંત્રની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે. મ્યુનિસિપલ તંત્ર પોલીસ વિભાગના સહયોગ લઇને રોડ પર પાર્કિંગના મામલે રાજપથ કલબ પર ત્રાટક્યું હતું. રાજપથ કલબને લગાવાયેલું સીલ સવારે યથાવત્‌ રહ્યું હોઇ આ સીલ કલબના સંચાલકો પાસેથી બાંયધરીપત્ર લઇને ખોલી આપવાના મુદ્દે હજી સુધી કોઇ સમાધાનકારી વલણ સ્પષ્ટ થયું નથી. બીજી તરફ એસજી હાઇવેના સર્વિસ રોડ પર આડેધડ રીતે પાર્ક કરાતાં વાહનો સામેની મ્યુનિસિપલ સત્તાવાળાઓની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની છે. જાણકાર સૂત્રો કહે છે, એસજી હાઇવે પરના કારગિલ જંકશન, ઇસ્કોન તેમજ કર્ણાવતી કલબ નજીકના વિસ્તારમાં ટૂંક સમયમાં સત્તાવાળાઓ ત્રાટકશે. શહેરમાં દિન પ્રતિદિન પાર્કિંગના પ્રશ્ન વિકટ બની રહ્યા હોઇ પાર્કિંગ મુદ્દે હાઇકોર્ટ દ્વારા ગઇ કાલે તંત્રને અપાયેલા આદેશના પગલે તાત્કાળ નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ દોડતા થયા હતા. જો કે રહેણાક વિસ્તારમાં આજે પણ ‘નો પાર્કિંગ ફોર વિઝિટર્સ’નાં બોર્ડ જોવા મળે છે. જેના કારણે વિઝિટર્સને પોતાનાં વાહન બહાર રોડ પર પાર્ક કરવાની ફરજ પડે છે. તંત્ર દ્વારા આ મામલે અભિયાન શરૂ કરવાની અગાઉ જાહેરાત કરાઇ હતી. રહેણાક એકમના સંબંધિત વહીવટકર્તાને પહેલાં નોટિસ ફટકારીને વિઝિટરનાં વાહન જે તે સોસાયટી કે ફલેટના પાર્કિંગમાં પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે નિશ્ચિત સમયગાળો આપવાની દિશામાં વિચારણા કરાઇ હતી. જોકે સમગ્ર શહેરમાં આ બાબતે કયાંય કોઇ નક્કર પગલાં હજુ સુધી લેવાયાં ન હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓની પાર્કિંગ સામેની ઝુંબેશ અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.