(એજન્સી) કોલકાતા, તા.૧૧
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કર્ણાટકમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણમાં સંડોવણીનો ભાજપ સામે આરોપ મુક્યો છે અને એવો દાવો કર્યો કે બંધારણ અને સંઘીય માળખું ખતરામાં છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે ભાજપનું આ અહંકારી વલણને અમે વખોડી કાઢીએ છીએ. મમતા બેનરજીએ વિધાનસભા પરિસરમાં જણાવ્યું કે અમને તો માત્ર મીડિયા તરફથી જાણવા મળ્યું કે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને મુંબઇમાં બંદી બનાવવામાં આવ્યા હતા. હોટલ નજીકના વિસ્તારમાં મીડિયાને પણ જતા અટકાવવામાં આવ્યા હતા. મમતા બેનરજીએ જણાવ્યું કે ભાજપે વિરોધ પક્ષોની રાજ્ય સરકારો ઉથલાવવાના પ્રયાસો કરવાને બદલે દેશ માટે કામ કરવા પર ધ્યાન આપવું જોઇએ. વિધાનસભામાં તેમણે એવો પ્રશ્ન કર્યો કે હું સમજી શકતી નથી કે શા માટે તેઓ આટલા લાલચી બન્યા છે. બધા રાજ્યો કબજે કરવા શા માટે તેઓ આટલી ઉતાવળમાં છે. આ ગંદુ રાજકારણ છે. કર્ણાટક પછી ભાજપ મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ વળશે. મમતા બેનરજીએ પ્રશ્ન કર્યો કે શું સરકારો તોડવાનું તેમનું કામ છે ? તેમણે કહ્યું કે જો સોદાબાજી ચાલુ રહેશે તો લોકતંત્રનો પરાજય થશે. લોકશાહી માટે લડત ચલાવતા પ્રાદેશિક પક્ષો અને અન્યોને અમારૂં સમર્થન છે. આ બાબતને તેમણે દિલ્હીનું ષડયંત્ર ગણાવ્યું છે.