(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
જાપાની પીએમ શિન્જો અબેની ગુજરાત મુલાકાત પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસે એવું જણાવ્યું કે શા માટે દિલ્હીને બદલે ગુજરાતમાં શિંજો આબેનું સ્વાગત થયું. પાર્ટીએ કહ્યું કે અમને આશા છે કે ગુજરાતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી-આબેની મુલાકાતનો રાજકીય હેતુ માટે ઉપયોગ નહીં થાય. કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું કે આ વિચિત્ર છે કે આબેનું દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાતમાં સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું કે અમે કોઈ રાજ્ય મુલાકાત પર ટિપ્પણી કરીને કોઈ અતિક્રમણ કરવા માગતા નથી પરંતુ એ વાત થોડી વિચિત્ર લાગે છે કે જાપાની વડાપ્રધાનની દિલ્હીમાં નહીં પરંતુ અમદાવાદમાં મહેમાનનવાજી કરવામાં આવી છે. અમને આશા છે કે તેમની મુલાકાતનો કોઈ રાજકીય સ્વાર્થ નહીં સાધવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે થોડા મહિના રહ્યાં છે. તિવારીએ કહ્યું કે ભારત જાપાન સાથે ગાઢ સંબંધો ધરાવે છે, યુપીએ સરકારના રાજમાં તેમની વચ્ચેના સંબંધો મજબૂત બન્યાં હતા. રોહિંગ્યા મુસ્લિમોની સાથે સારી રીતે કામ ન પાર પાડવાના મુદ્દે મોદી સરકારને આડે હાથ લેતા તિવારીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર સંસ્થા દ્વારા કરવામાં આવેલી ટીકા-ટિપ્પણી સંપૂર્ણપણે અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે ભારત સરકારે રોહિંગ્યા મુસ્લિમો પર જે વલણ અખ્તાયર કર્યું છે જે દેશની પરંપરા વિરૂદ્ધ છે. ભારતીય પરંપરામાં તો જુલમનો ભોગ બનેલા લોકોનું સ્વાગત કરવામાં આવતું રહ્યું છે. પરંતુ સરકારે રોહિંગ્યના મુસ્લિમોનો મુદ્દો સારી રીતે પાર પાડ્યો નથી. તેમણે કહ્યું કે આને કારણે નાલેશીભરી સ્થિતિમાં મૂકાવું પડ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરવામાં થાકતું નથી પરંતુ વડાપ્રધાન મોદી અને એનડીએ સરકાર માટે આત્મનિરિક્ષણ કરવાનો સમય આવ્યો છે કે વિદેશી નેતાઓ સાથેના રોડ-શો અને ભાષણ રાજદ્વારી મંત્રણાનું કોઈ માધ્યમ નથી.