(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દેશોની યાત્રાના અંતર્ગત સિંગાપુરમાં છે. સિંગાપુરમાં મોદીનો ત્રીજો દિવસ છે. વડાપ્રધાન મોદીની ત્રણ દિવસની સિંગાપુર યાત્રા બિઝનેસ અને નવરાશની પળોનું આદર્શ મિશ્રણ છે.
સિંગાપુરમાં છેલ્લા દિવસે નરેન્દ્ર મોદીએ જાણીતા સ્થળો અને ધાર્મિક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ હાલ સુધીમાં નીચે મુજબની જગ્યાઓની મુલાકાત લીધી છે.
નેશનલ ઓરચીડ ગાર્ડન
મહાત્મા ગાંધીજીની રાખ જ્યાં રાખવામાં આવી છે એ જગ્યાનું અનાવરણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ નેશનલ ઓરચીડ ગાર્ડનની મુલાકાત લીધી હતી. સિંગાપુરમાં મંત્રી મેન્ટરો લી કૂન યુ દ્વારા ૧૯૯૫માં સિંગાપુર બોટાનીક ગાર્ડનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યારે એક ઓરચીડને વડાપ્રધાન મોદીનું નામ આપવામાં આવ્યું હતું જે હવે ડેન્ડ્રોબ્રિયમ નરેન્દ્ર મોદી તરીકે ઓળખાશે.
શ્રી મરમ્મન મંદિર
સિંગાપુર મુલાકાતના આખરી દિવસે વડાપ્રધાન મોદી સિંગાપુરના સૌથી પ્રાચીન હિંદુ મંદિર શ્રીમરમ્મનની પણ મુલાકાત લીધી હતી. સિંગાપુરના સાઉથ બ્રિજ માર્ગ પર આવેલું શ્રીમરમ્મન મંદિર દ્રવિડ વાસ્તુશૈલી પ્રમાણે ૧૮૨૭માં બનાવવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ કાર્ય નારાયણ પિલ્લઈએ કરાવ્યું હતું. શ્રીમરમ્મન મંદિર અગમ મતનું મંદિર છે.
ચુલિયા મસ્જિદ
વડાપ્રધાન મોદી સિંગાપુરમાં વિખ્યાત ચૂલિયા મસ્જિદ પહોંચ્યા હતા. ચૂલિયા મસ્જિદમાં મોદીની મુલાકાત વખતે તેમની સાથે સિંગાપુરના સાંસ્કૃતિક પ્રધાન ગ્રેસ યેન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ મસ્જિદ ઉત્તર બ્રિજ રોડના ચાયના ટાઉન જિલ્લા ખાતે મધ્યમાં આવેલ છે. સિંગાપુરમાં આ શરૂઆતની મસ્જિદ છે જેનું નિર્માણ ચુલિયા તમિલ મુસ્લિમ વ્યાપારી લોકોએ કરાવ્યું હતું. જેઓ ભારતના કોરોમંડલ કિનારેથી ૧૮૨૬માં સિંગાપુર આવ્યા હતા.
બૌદ્ધ ટૂથ રેલિક મંદિર
સિંગાપુરમાં આવેલા બુદ્ધ ટૂથ રેલિક મંદિરમાં વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. કહેવામાં આવે છે કે ત્યાં બુદ્ધના દાંતના અંશનો સંગ્રહ કરાયેલો છે ત્યારબાદ સિંગાપુરના બુદ્ધ ટૂથ રેલિક મંદિરમાં આવેલા સંગ્રહાલયની પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી હતી.
ઇન્ડિયન હેરિટેજ સેન્ટર
ઇન્ડિયન હેરિટેજ સેન્ટર ખાતે નરેન્દ્ર મોદીનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એક કલચરલ સેન્ટર અને મ્યુઝીયમ છે જે સિંગાપુરમાં ભારતીયોની કલચર, હેરિટેજ અને ઇતિહાસની છબિ દેખાડે છે. સેન્ટર ખાતે વડાપ્રધાન મોદીએ કલા સંગમનું અનાવરણ કર્યું જે ભારતીય હાઈકમિશન, સિંગાપુર અને ભારતીય હેરિટેજ સેન્ટરે સિંગાપુરમાં સાથે મળીને કાયમી પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. જેમાં ભારતીય કસબીઓ સિંગાપુરમાં પોતાની કલાનું નિદર્શન અને વેચાણ કરી શકશે.