(એજન્સી) અમદાવાદ, તા. ૧૬
પાસના યુવા નેતા હાર્દિક પટેલે વીવીપીએટીએસ માટેની ઉલટ તપાસ અરજી ફગાવનાર સુપ્રીમ કોર્ટ પર આંગળી ઉઠાવી. તેમણે કહ્યું કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટનું વલણ ગળે ઉતરે લાગતું નથી. તેમણે કહ્યું કે શા માટે પહેલા તબક્કામાં વીવીપીએટીએસનો ઉપયોગ થયો ? હાર્દિકે કહ્યું કે પહેલા તબક્કાની ચૂંટણીમાં શા માટે વીવીપીએટીનો ઉપયોગ થયો. સરળ રીતે મતગણતરી માટે તેનો ઉપયોગ કરાય છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટનું વલણ મારે ગળે ઉતરતું નથી. તેમણે આગળ કહ્યુંમ કે મને લાગે છે કે એક્ઝિટ પોલના તારણો પર ખોટા સાબિત થશે. હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે, જો ઇવીએમમાં ગડબડી નહી થાય તો, ભાજપ હારશે અને તેને માંડ ૮૨ બેઠકો મળશે. આ પહેલા કોંગ્રેસે કહ્યું કે દરેક મતવિસ્તારમાં નાખવામાં આવેલા વોટની સાથે પેપર ટ્રાયલ સ્લીપના ઓછામાં ઓછા ૨૦ ટકા સ્લીપની ગણતરીની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવતાં ગુજરાત ચૂંટણી પર નવેસરથી સર્વાંગી અરજી દાખલ કરવામાં આવશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં એક નવી વિસ્તૃત અરજી ફાઈલ કરી રહ્યા છીએ. હાર્દિકે અનામતની લડાઇ ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર પણ વ્યકત કર્યો હતો. હાર્દિક પટેલેે રાહુલ ગાંધીના કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તાજપોશી બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, હું તેમને શુભકામના પાઠવું છું. વિપક્ષમાં રહી તેઓ જનતાના પ્રાણપ્રશ્નો અંગે લોકસભા અને રાજયસભામાં અવાજ ઉઠાવે અને પ્રજાનો અવાજ રજૂ કરે બસ એવી આશા રાખીએ છીએ. દરમ્યાન ઇવીએમ મુદ્દે ભાજપ પર ગંભીર આરોપ અને પ્રહાર કરતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું ભાજપની વિરૂધ્ધમાં જ છું કારણ કે, ભાજપે હંમેશા અત્યાચાર અને તાનાશાહી શાસન ચલાવ્યું છે, ઇવીએમમાં પણ ગડબડી કરી લોકો સાથે મજાક કરે તેવા લોકો સાથે હું કયારેય નથી. ભાજપ ગુજરાત સહિત દેશના લોકો સાથે મજાક કરી રહ્યું છે. જો ઇવીએમમાં ચેડા કરવા જ હોય તો, પછી ચૂંટણીની ઔપચારિકતા શા માટે? જે દિવસે બધુ બહાર આવશે ત્યારે હાહાકાર મચી જશે. ગુજરાતમાં ભાજપની હારનો મતલબ છે ભાજપનું પતન. ઇવીએમમાં ગડબડી કરીને ભાજપ ગુજરાતની ચૂંટણી જીતશે અને હિમાચલ પ્રદેશની ચૂંટણી હારશે કે જેથી કોઇ સવાલો ના ઉઠાવે. ભાજપે અત્યારસુધી ગુજરાતમાં અત્યાચાર અને તાનાશાહીનું શાસન ચલાવ્યું છે, તેની હાર નક્કી છે.