(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૮
ગુજરાત ચાંદ કમિટીએ માહે શાબાનના ર૯મા ચાંદના રોજ કચ્છ જિલ્લામાંથી મળેલી શરઈ ગવાહીના આધારે જ ૧ રમઝાન ૧૭ મે ર૦૧૮ ગુરૂવારથી શરૂ થશે તેવી કરેલી જાહેરાતથી કેટલાક મૌલવીઓ ખૂબ નારાજ થયા. આથી તેમણે ચાંદ કમિટીની વાત ન માની લોકોને રોઝો ન રાખવા અપીલ કરી સમાજમાં ભાગલા પાડવાની ચેષ્ટા કરી હતી. જેને ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહમદ સિદ્દીકીએ સખત શબ્દોમાં વખોડી કાઢી. આવા મૌલવીઓથી ગેરમાર્ગે ન દોરાવા લોકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ફિત્ના કતલથી પણ મોટો ગુનો છે.
ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહમદ સિદ્દીકીએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત ચાંદ કમિટીનો ફેંસલો માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દક્ષિણ, આફ્રિકા, લંડન, કૂવૈત, દુબઈ જેવા દેશો પણ માન્ય રાખે છે. ગુજરાત ચાંદ કમિટી તમામ શહેરોમાં સભ્યોની પસંદગી કરી દરેક ઈસ્લામી તારીખ ર૯ કે ૩૦મીના રોજ ચાંદ જુએ છે અથવા રાજયના અન્ય શહેર, તાલુકા કે ગામોમાં ચાંદ દેખાવા અંગેની શરીઅત મુજબ ગવાહી મળે તો જ ચાંદ દેખાયા અંગેની જાહેરાત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત તા.૧૬મીના રોજ પણ કચ્છ જિલ્લાના ભૂજ, અંજાર, ગાંધીધામ, રાપર સહિત અનેક શહેરોમાંથી ચાંદ દેખાયાની શરઈ ગવાહી પ્રાપ્ત થઈ હતી. કચ્છ જિલ્લા અને અહમદાબાદ શહેરના સમયમાં ૧ર મિનિટનો તફાવત હોવાથી ત્યાં મગરીબની નમાઝ અદા કર્યા બાદ ચાંદ જોઈ શરઈ ગવાહી આપવામાં આવી હતી. આથી ચાંદ અંગેની જાહેરાત મોડેથી થઈ હતી. આમાં કેટલાક લોકોને વાંધો પડયો હતો.
મુફતી શબ્બીર અહમદે સીધો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોરબંદરના એક આલીમના ઈશારે અહમદાબાદની કેટલીક મસ્જિદોના ઈમામોએ મસ્જિદોમાંથી લોકોને રોઝો ન રાખવા એલાન કરાવી સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી મુસ્લિમ સમાજમાં આવા તત્વો સામે વ્યાપક નારાજગી ફેલાઈ છે. ગુજરાત ચાંદ કમિટી ખૂબ જ જવાબદારીપૂર્વક કામગીરી કરે છે. દેશના ટોચના મુફતીઓ અને આલીમો સાથે ચર્ચા વિચારણા કરી શરીઅતના દાયરામાં રહી મોબાઈલ, ઈન્ટરનેટ, ટીવી, મીડિયાના માધ્યમથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી જાહેરાત કરે છે. એમાં કયાંય ખોટું હોય તો જવાબદારી કમિટીની હોય છે. લોકોએ તો ચાંદ કમિટીના ફેંસલાને માન્ય રાખવાનો હોય છે તેમ છતાં સમાજમાં ભાગલા પાડનારા તત્વોએ સાથે મળી ચાંદ ન દેખાયા અંગેની જાહેરાત કરતાં વિવાદ ઊભો થયો હતો. ઉપરાંત સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. આથી મુફતી શબ્બીર અહમદે લોકોને ફિત્નાથી દૂર રહેવા અને આવા લોકોની વાતોમાં ન આવવા અપીલ કરી હતી.

રમઝાન માસના ચાંદ અંગે અસમંજસની સ્થિતિનું નિર્માણ થતાં લોકોમાં થોડો સમય તણાવ

(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૧૭
ગુજરાત રાજ્યમાં સંખ્યાબંધ ચાંદ કમિટીઓ કાર્યરત હોવા છતાં અપૂરતા સંકલન અને અલગ-અલગ ફિરકાઓની માન્યતાઓના પગલે ગતરાત્રીએ જાણે ચાંદ અંગે અરાજકતાનો માહોલ ઊભો થવા પામ્યો હતો. જો કે આધુનિક જમાનામાં ટેકનોલોજીના સદુપયોગના બદલે ગતરાત્રે મુસ્લિમ સમાજમાં અર્ધજ્ઞાની અને અજ્ઞાની લોકોએ ગતરાત્રે રીતસર સોશિયલ મીડિયામાં અરાજકતા ફેલાવી દીધી હતી ત્યારે સાંપ્રત સમયમાં રાજ્યકક્ષાની એકમાત્ર ચાંદ કમિટી અત્યાધુનિક ઉપકરણોથી સજજ બનાવાય અને રાજ્યભરમાં દરેક ફિરકાના મુસ્લિમ સમાજના મરકઝ, મસ્જિદોને એક પ્લેટફોર્મ ઉપર લાવી સંકલન કરી રાજ્યની દરેક ચાંદ કમિટીઓ એકબીજા સાથે સૂચારૂ રીતે જોડાય તે સમયની અનિવાર્યતા છે.
લોકચર્ચા પ્રમાણે ગતરોજ ગુજરાત ચાંદ કમિટી દ્વારા મોડે મોડે કચ્છ અંજારની ગવાહીના આધારે રમઝાનના પહેલાં ચાંદની જાહેરાત કરાયા બાદ વિવિધ શહેરો અને ગામડા લેવલે ભારે કૂતુહલ સાથે અફરાતફરીનો માહોલ ઊભો થવા પામ્યો હતો. સંખ્યાબંધ મસ્જિદોમાં રાત્રીના ૧૧થી ૧ર વાગ્યે તરાવીહની નમાઝ અદા કરાઈ હતી. તો કેટલાક સ્થળે શુક્રવારથી પહેલો રોઝો રાખવાની જાહેરાત કરાઈ હતી. ભરૂચ, અંકલેશ્વર સહિત શહેરોમાં અલગ-અલગ મહોલ્લાઓમાં અલગ-અલગ નિર્ણયો જાહેર કરાતા લોકો મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક બુદ્ધિજીવીઓના મત અન્વયે રાજ્યના તમામ મુસ્લિમ સમાજને એકીકૃત કરી તમામ મસ્જિદ અને મરકઝ તથા દારૂલ ઉલુમોને ઈન્ટરનેટ અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્લેટફોર્મ ઉપર લાવી તેમજ અલગ-અલગ ફિરકાઓની એક કેન્દ્રીય ચાંદ કમિટી બનાવી કેન્દ્રીય કક્ષાઓથી જ ચાંદની જાહેરાત કરાય તે જરૂરી છે.
બોડેલી પથકમાં આજરોજથી રમઝાન માસના રોજા ચાલુ થયા છે. ઘણીવાર રમઝાન ઈદના ચાંદને લઈને અટકળો ઊભી કરવામાં આવે છે. જ્યારે ગતરાત્રે રમઝાન માસના ચાંદને લઈ વિવાદ ઊભો કરાયો હતો. દેશમાં ઘણી જગ્યાએ ચાંદ નજરે પડ્યો હતો. જ્યારે ગુજરાતમાં મોડે સુધી ચાંદ જોયાની ગવાહી ન આવતા રાત્રે ૧૦ વાગ્યા બાદ રોજા રાખવાનું એલાન થયું હતું. પરંતુ ગુજરાતના અમુક ગામમાં ચાંદના વિવાદને લઈ રોજાનો પ્રારંભ થયો ન હતો. જ્યારે સદીઓ બાદ અખાતના દેશોમાં અને ભારતમાં એકસાથે રોજા ચાલુ થતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે.