(એજન્સી) કોટા, તા.૨૪
રાજસ્થાનના કોટામાં રહેતા સાદાબ હુસેને ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા (આઈસીએ) દ્વારા લેવાતી ચાર્ટર્ડ એકાઉન્ટ (સીએ)ની પરીક્ષામાં ટોપનું સ્થાન મેળવ્યું છે. હુસેનના પિતા દરજીકામ કરે છે અને માતા ગૃહિણી છે. સીએ ફાઈનલ પરીક્ષાના (જૂનાકોર્સ)માં ટોચનું સ્થાન પ્રાપ્ત હાંસ કરનાર હુસેન ચાર બહેનોનો એકમાત્ર ભાઈ છે. તેણે કોટા યુનિવર્સિટીમાંથી બીકોમ (સ્નાતક) કર્યું છે. સીએમાં સફળતા અંગે સાદાબે જણાવ્યું કે, માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન રહે તે માટે સારી નોકરી હાંસલ કરવી હતી. જેના માટે તેમણે સીએના વ્યવસાય પર પસંદગી ઊતારી જેથી જીવનભર આવક મળતી રહે. ર૩ વર્ષીય સાદાબ સીએના અભ્યાસ માટે ૧૩થી ૧૪ કલાકનું વાંચન કરતા હતા. પરિવારના માટે આ સૌથી મોટી સિદ્ધિ હોવાનું સાદાબે જણાવ્યું હતું. સાદાબે પરીક્ષામાં સફળ થવા તેના તકનીકી પાસાઓ જણાવ્યા હતા. તેમણે કહ્યું કે, મગજને શાંત રાખવો ખૂબ જ જરૂરી છે. અભ્યાસ દરમિયાન ૩૦થી ૪૦ મિનિટનો વિરામ અને ઓછામાં ઓછું રથી ૩ કિ.મી. ચાલવાથી ટેન્શન દૂર થાય છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને તેમણે પ્રથમ પ્રશ્નપત્ર વાંચી જવા અને દરેક પ્રશ્ન માટે નિર્ધારિત સમય વહેચવા સલાહ આપી હતી. સાદાબે કહ્યું કે, પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોએ પોતાના માટે પણ ચોક્કસ ફાળવવો જોઈએ અને એ સમય દરમિયાન પસંદગીનું કાર્ય કરવાથી મન શાંત રહે છે.