(એજન્સી) તા.૯
૧૯ ડિસે.૨૦૧૯ના રોજ લખનૌ ખાતે સીએએના વિરોધમાં યોજાયેલ દેખાવ દરમિયાન ઉ.પ્ર. પોલીસ દ્વારા એક માત્ર મહિલા રાજકીય કાર્યકર સદફ જાફરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મંગળવારે સવારે સદફ જાફર સ્મિત વદને જેલમાંથી બહાર આવીને પોતાની બહેનને ભેટી પડી ત્યારે તેમણે જણાવ્યું હતું કે સંઘર્ષ જારી હૈ. હવે મારે ડરવાની કોઇ જરૂર નથી.
રાજકીય કાર્યકર અને શિક્ષિકા સદફ જાફર તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાઇ હતી અને જ્યારે તે લખનૌમાં સીએએ સામે શાંતિપૂર્ણ દેખાવોનું શૂટીંગ કરી રહી હતી ત્યારે ઉ.પ્ર. પોલીસે તેની ધરપકડ કરી હતી. હફિંગ્ટન પોસ્ટ સાથેની એક મુલાકાતમાં સદફ જાફરે જણાવ્યું હતું કે પોતાના પર ૧૯ ડિસે. પુરુષ અને મહિલા કોન્સ્ટેબલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેના પર વિંઝાઇ રહેલ લાઠીઓ ઉપરાંત આ શિયા મુસ્લિમ મહિલાએ જણાવ્યું હતું કે તેમની ભાષા યુપી પોલીસ કેટલી કોમવાદી છે તેની ચાડી ખાતી હતી. તેમણે મને પાશવી માર માર્યો હતો. તેઓ તમે છાપી નહીં શકો એવી ગંદી ગાળો બોલી રહ્યાં હતા. તેમણે મને ખોરાક કે પાણી આપ્યું ન હતું. મારી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. તેઓ મને કહેતા હતા કે તું પાકિસ્તાની છે, તું અહીંનું ખાય છે, તારા બાળકો અહીં છે તેમ છતાં તું પાકિસ્તાનને સમર્થન આપે છે.
ઉ.પ્ર. પોલીસ સંપૂર્ણપણે કોમવાદી થઇ ગઇ છે. પોલીસે મારા પર ટોર્ચર કર્યુ હતું એવું સદફ જાફરે જણાવ્યું હતું. પોલીસ દળ આટલી હદે કોમવાદી થઇ જાય તે મને માનવામાં આવતું ન હતું. સદફ જાફરે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મને રસ્તાની બાજુએ લઇ જઇ રહ્યાં હતા ત્યારે તેમણે મારા પગ પર ડંડા ફટકારવાનું ચાલુ રાખ્યું હતું. એક મહિલા કોન્સ્ટેબલે મને ક્હ્યું હતું કે જો હું મોં બંધ નહીં રાખું તો તેઓ મારા ચહેરા પર બેટન ફટકારશે.