(એજન્સી) તા.૧પ
ગૌરક્ષક અને સનાતન સંસ્થાના સમર્થક વૈભવ રાઉતના ઘરેથી જપ્ત કરવામાં આવેલો ર૪ કિ.ગ્રામ જેટલો જુદા જુદા રસાયણોનો પાવડર પ૦-૬૦ બોમ્બ બનાવવા માટે પૂરતો હતો. એ.ટી.એસ. એ રાઉતના ઘરેથી રર બોમ્બ પણ જપ્ત કર્યા હતા દરેકનું વજન પ૦૦-૬૦૦ ગ્રામ હતું. તપાસકર્તાઓ હવે એ વિશાળ આતંકવાદી ષડયંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને એક વરિષ્ઠ આઈ.પી.એસ. અધિકારીએ જણાવ્યું હતું કે નવેમ્બર-ડિસેમ્બર ર૦૧૮માં યોજાનાર સનબર્ન મ્યુઝિક ફેસ્ટીવલ આ પકડાયેલા આતંકવાદીઓના નિશાન પર હતું. પુણે નજીક યોજાતા આ નૃત્ય-સંગીત કાર્યક્રમમાં લાખો લોકો હાજરી આપે છે. એ.ટી.એસ. એ કોર્ટને જણાવ્યું હતું કે આ પહેલાં આ સંગઠને ર૮-૩૧ ડિસેમ્બર ર૦૧૭ના દિવસે યોજાયેલા સનબર્ન ફેસ્ટીવલને લક્ષ્યાંક બનાવવાની યોજના બનાવી હતી. કારણ કે તેઓ આ ફેસ્ટીવલને હિન્દુ વિરોધી ગણતા હતા. એક સૂત્રએ જણાવ્યું હતું કે પકડાયેલા બોમ્બ ગત ડિસેમ્બરમાં યોજાયેલ સનબર્ન ફેસ્ટીવલના એક મહિના પહેલા બનાવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા રસાયણોનો પાવડર પ૦-૬૦ બોમ્બ બનાવવા માટે પુરતો હતો આ સમગ્ર સાધન-સામગ્રી પુણેમાં રાખવામાં આવી હતી. પરંતુ તાત્કાલિક બોમ્બ બનાવી વિસ્ફોટ કરવાની યોજના ન હોવાથી આ સામગ્રીને નલસોપારા મોકલી દેવામાં આવી હતી.