માય FM દ્વારા આયોજિત

અમદાવાદ, તા.૧

કોઈપણ વ્યક્તિની સમાજમાં વિવિધ ક્ષેત્રે નોંધ લેવાતી રહે તો મનમાં કંઈક કરવાની પ્રેરણા વધુ બળવખર બને છે. નવી આશાઓ અને ઉમંગોને પાંખો મળે છે. માય એફએમ દ્વારા મને મળેલ સન્માનથી મક્કમ વિચારોએ જમાવડો લીધો છે આ શબ્દો છે  શાહેઆલમની ગાયત્રી વિદ્યામંદિર શાળાના ધો.૧રમાં ટોપર્સ રહેલ મો.શફીકના. રેડિયો માયએફ ૯૪.૩ દ્વારા માય અમદાવાદી ટોપર્સ અંતર્ગત અમદાવાદની ૧૯ શાળાઓના ધો.૧રમાં ટોપર્સ રહેલા વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેઓને સોનાનો સિક્કો અને સર્ટીફિકેટથી નવાજવામાં આવ્યા હતા. જેમાં શાહઆલમની ગાયત્રી વિદ્યામંદિર શાળાના ધો.૧રના ટોપર્સ મો.શફીક શેરૂભાઈ શેખ માય એફએમના ટોપ-૧૦માં પસંદગી પામ્યો હતો અને મેયર ગૌતમ શાહના હસ્તે સર્ટીફિકેટ તથા ગોલ્ડ કોઈન પ્રાપ્ત કરી શાળાનું તેમજ કુટુંબનું ગૌરવ વધાર્યું છે. મોહમ્મદ શફીકને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ઘણી તકલીફો વેઠવી પડી છે. કુટુંબમાં આકરી મજુરી કરી માંડ બે ટંકનો રોટલો રળતા પિતા સિવાય અન્ય કોઈ કમાનાર ન હોવાથી  નબળી આર્થિક સ્થિતિએ શફીકને બાળપણથી જ પરિપકવ બનાવી દીધો છે. ઘરમાં નાનો સભ્ય હોવાથી કુટુંબ માટે કંઈક ન કર્યું હોવાના અફસોસ સાથે જણાવે છે કે રાત ટૂંકીને વેશ ઝાઝાના હિસાબે ઉચ્ચ શિક્ષણનું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે. ઘરની આર્થિક સ્થિતિ સુધારવા સી.એ. બની મારા અને ઘરના સર્વે સભ્યોના સપના પૂરા કરવા સંકલ્પશીલ છું. શફીક હાલમાં જ ધો.૧રની પરીક્ષામાં ૯૦.૩૮ પીઆર મેળવી ૭૦ ટકા સાથે ઉતીર્ણ થયેલ છે. પિતાની પેડલ રિક્ષા ટૂંકી આવક અને અત્યારની અધધધ મોંઘવારીમાં તેના પ્રયત્નો, વિચારો, હોંશ અને પગલાંઓને યોગ્ય દિશા-અવકાશ મળે તેવી ખેવના કુટુંબના એક માત્ર પુત્ર પ્રત્યે માતા-પિતા સેવી રહ્યા છે.