(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૫
ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ (જેકેપીએમ)ના વડા શાહ ફૈસલ સામે જાહેર સુરક્ષા કાયદા (પીએસએ) હેઠળ શુક્રવારે રાત્રે કેસ નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યા બાદ શાહ ફૈસલ અટકાયત હેઠળ હતા. જેકેપીએમના નેતાને ૨૦૧૯ની ૧૩ અને ૧૪મી ઓગસ્ટની રાત્રે દિલ્હી એરપોર્ટથી ઇસ્તમ્બુલ જતી ફ્લાઇટમાં જતા અટકાવવામાં આવ્યા હતા અને તેમને વિમાન દ્વારા શ્રીનગર પરત લાવવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં પીએસએ હેઠળ જેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે, એવા નેતાઓમાં હવે શાહ ફૈસલનો પણ ઉમેરો થઇ ગયો છે. પીએસએ હેઠળ ડો.ફારૂક અબ્દુલ્લાહ, ઉમર અબ્દુલ્લાહ, મહેબૂબા મુફ્તી, સરતાજ મદની, હિલાલ લોન , અલી મોહમ્મદ સાગર અને નઇમ અખ્તર સામે પણ કેસ નોંધવામાં આવ્યા છે. ભારતીય વહીવટી સેવા (આઇએએસ)માંથી રાજીનામું આપ્યા બાદ ભૂતપૂર્વ અમલદારે જમ્મુ અને કાશ્મીરમાં એક નવા રાજકીય પક્ષની રચના કરી હતી. બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલો ખાસ દરજ્જો હટાવી લેવામાં આવ્યા બાદ ફૈસલે જણાવ્યું હતું કે કાશ્મીર અભૂતપૂર્વ લોકડાઉનનો સામનો કરી રહ્યું છે અને કાશ્મીરના ૮૦ લાખ લોકો કારાવાસમાં છે. પીએસએ હેઠળ કેસ નોંધાયેલી વ્યક્તિને કોઇ પણ ટ્રાયલ વગર ત્રણ મહિના સુધી અટકાયતમાં રાખી શકાય છે અને અટકાયનો સમયગાળો વધારી શકાય છે. પીએસએ ટ્રાયલ વગર કોઇ પણ વ્યક્તિને બે વર્ષ સુધીની ધરપકડ કે નજરકેદ કરવાની અનુમતિ આપે છે.
જમ્મુ અને કાશ્મીર : માજી IAS અધિકારી શાહ ફૈસલ સામે PSA હેઠળ કેસ નોંધાયો

Recent Comments