(એજન્સી) તા.૨૮
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ ગુરૂવારે કહ્યું હતું કે, “પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન ભારતમાં તેમના સમકક્ષ નરેન્દ્ર મોદીને શાંતિનું આમંત્રણ આપવા માટે ટેલિફોન પર વાતચીત કરવા તૈયાર છે.” કુરૈશીએ આ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન બુધવારે યુદ્ધ કેદી તરીકે પકડવામાં આવેલા ભારતીય વાયુ સેનાના પાયલોટને પરત મોકલી દેવા માંગે છે કે, જેથી બંને દેશો વચ્ચેની તંગદિલી ઓછી થાય. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, “પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન શાંતિ માટે નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરવા તૈયાર છે. શું નરેન્દ્ર મોદી આ માટે તૈયાર છે ?” તેમણે કહ્યું હતું કે, મને અત્યારે જ પુલવામા હુમલા વિશે ભારતનો ડોઝિયર મળ્યો છે અને મને તેને ચકાસવાની તક મળી નથી. હું કહું છું કે, અમે ખુલ્લા મનથી આ ડોઝિયર પ્રત્યે ધ્યાન આપીશું.” તેમણે કહ્યું હતું કે, “હું ઈચ્છતો હતો કે, તેમણે ડોઝિયર પહેલાં મોકલી દીધો હોત. તેમણે પહેલાં હુમલો કર્યો, ત્યારબાદ ડોઝિયર મોકલ્યું. જો તેમણે પહેલાં જ ડોઝિયર મોકલી પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો હોત તો હુમલો કરવાની જરૂર ઊભી ન થઈ હોત.” કુરૈશીએ કહ્યું હતું કે, “જો ભારત આતંકવાદ પર મંત્રણા કરવાની ઈચ્છા ધરાવે છે તો અમે તેના માટે તૈયાર છીએ.”