ઢાકા,તા.૧૯
બાંગ્લાદેશના ઝડપી બોલર શહાદત હુસેનને એક વર્ષ માટે બધા પ્રકારના ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરી દેવાયો છે તેના ઉપર ઘરેલું મેચ દરમિયાન પોતાના જ સાથી ખેલાડી અરાફત સનીને મારવાનો આરોપ છે. શહાદતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની શિસ્ત સમિતિ સમક્ષ ભૂલ અને સજા સ્વીકારી લીધી છે. બાંગ્લાદેશ મીડિયામાં આ ઘટનાની ઘણી ચર્ચા થઈ છે કારણ કે, હુસેન અને સની વરિષ્ઠ ખેલાડી છે અને ટેસ્ટ ક્રિકેટ પણ રમી ચૂકયા છે. તાજેતરમાં જ બાંગ્લાદેશ ક્રિકેટ માટે આ બીજી અપ્રિય ઘટના છે. આ પહેલાં પૂર્વ કપ્તાન શાકીબુલ હસનને આઈસીસી દ્વારા પ્રતિબંધિત કરાયો હતો. ઘટના થોડા દિવસ પહેલાંની છે. ઢાકા અને ખુલના ડિવિઝન મેચ દરમિયાન ૩૩ વર્ષના શહાદતે બોલિંગ દરમિયાન મીડઓફ ઉપર ઊભેલા અરાફત સનીને બોલને એક તરફ ચમકાવવા માટે કહ્યું હતું. જવાબમાં સનીએ શહાદતને કહ્યું કે શું તને બોલની ચમક જાળવી રાખવાનું નથી આવડતું. મેદાન પર બન્ને વચ્ચે જીભાજોડી થઈ. આ દરમિયાન શહાદતે અરાફત ઉપર હુમલો કરી દીધો.