શહેરના શાહેઆલમ વિસ્તારમાં સીએએની વિરૂદ્ધમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં પોલીસે ટોળાને વિખેરવા અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરતા જ મામલો બિચકયો હતો. દરમ્યાન પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કરતા કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો ત્યારે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડયા હતા. ત્યાર બાદ પરિસ્થિતિ કાબુમાં આવી હતી. પ્રસ્તુત પ્રથમ તસવીરમાં નાસભાગ કરતા લોકો, બીજી તસવીરમાં નાસભાગને લીધે કેટલાક લોકો ચપ્પલ પણ છોડીને ભાગવા લાગ્યા હતા. ત્યારે ચપ્પલો રસ્તા પર વિખેરાયેલા પડયા હતા. જયારે ત્રીજી તસવીરમાં પરિસ્થિતિને થાળે પાડવા ટીયર ગેસનો સેલ છોડતો પોલીસ કર્મી નજરે પડે છે.
ટોળા વચ્ચે ફસાઈ ગયેલા પોલીસ કર્મીઓને કેટલાક યુવાનોએ બચાવ્યા

અમદાવાદ,તા.૧૯
શાહઆલમમાં વિરોધ પ્રદર્શન વેળા મામલો બિચકતા કેટલાક તોફાની તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો. દરમ્યાન ચારથી પાંચ પોલીસ કર્મી બે દુકાનો વચ્ચે ફસાઈ જતા કેટલાક તોફાનીઓએ તેમને ઘેરી પથ્થરો મારવા લાગ્યા હતા ત્યારે પોલીસ કર્મીઓએ હાથમાં ટેબલ, ખુરશી કે જે વસ્તુ આવી તે લઈને માથુ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં તોફાનીઓએ તેમને ટાર્ગેટ બનાવ્યા હતા ત્યારે કેટલાક યુવાનોએ વચ્ચે પડીને તોફાનીઓને પથ્થરમારો કરતા રોકીને પોલીસ કર્મીઓને બચાવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાવ છે કે ટોળામાં ફસાઈ ગયેલા પાંચ જેટલા પોલીસ કર્મીઓ ઉપર કેટલાક તોફાનીઓ જોરદાર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારે જ કેટલાક યુવાનો દોડી આવ્યા હતા અને તેમણે જ ફસાઈ ગયેલા પોલીસ કર્મીઓને બચાવ્યા હતા.

પથ્થરમારામાં કયા કયા પોલીસ કર્મીઓ ઘાયલ થયા

શાહઆલમ સહિતના મુસ્લિમ વિસ્તારોમાં તોફાની તત્વો દ્વારા પોલીસને જે પ્રકારે ટાર્ગેટ કરી પથ્થરમારો અને હિંસાનો ભોગ બનાવી તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. મુસ્લિમ સમુદાયના પથ્થરમારામાં ઈજા પામનારા પોલીસ કર્મીઓમાં એસીપી આર.બી.રાણા, પીઆઇ જે.એમ.સોલંકી(ઈસનપુર), ત્રણ પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ કે.જાડેજા(એસઆરપી), કુલદીપસિંહ હનુભા(ઈસનપુર), ભારતી બહેન પૂંજાભાઈ(દાણીલીમડા), એએસઆઇ યાસિનમિંયા, બે હેડ કોન્સ્ટેબલ ઝાકીર ખાન(ઈસનપુર), રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ, શબાના રફીક હુસેન, પીએસઆઇ આઈ.એચ.ગઢવી(મણિનગર), લોકરક્ષક અશોકભાઈ રાઘવભાઈ(દાણીલીમડા) તેમજ હોમગાર્ડ સાબિરભાઈ ફતેહ મહમ્મદ સહિતના અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પોલીસ ઉપર હુમલો કરનારા તત્ત્વો સામે તપાસનો ધમધમાટ

અમદાવાદ, તા.૧૯
સીએએના વિરોધમાં અમદાવાદ શહેરના શાહઆલમ સહિતના વિસ્તારોમાં તોફાની તત્ત્વો દ્વારા પોલીસને જે પ્રકારે ટાર્ગેટ કરી પથ્થરમારો અને હિંસાનો ભોગ બનાવી તે ઘટનાના હવે ગુજરાત જ નહી પરંતુ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વર્ષો બાદ અજંપાભરી શાંતિ પથરાયેલી છે. લોકોમાં એક પ્રકારનો ડર અને ફફડાટ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. હુમલાને લઈ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્ત્વોને ઝબ્બે કરવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ખાસ કરીને પોલીસે સીસીટીવી ફુટેજીસ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે તોફાની તત્વોને આઇડેન્ટીફાઇ કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં ખાસ કરીને પોલીસ પર હુમલાના બનાવોને લઇ જરૂરી ફરિયાદ અને કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરવાની તજવીજ પણ હાથ ધરી છે.