(એજન્સી) લખનૌ, તા.ર૬
ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં જુલૂસ કાઢવા અંગે જૂથ અથડામણ સર્જાઈ હતી. જ્યારે પોલીસે મામલાને શાંત પાડવા માટે જુલૂસનો માર્ગ બદલ્યો તો નારાજ લોકોએ પોલીસ પર જ પથ્થરમારો શરૂ કરી દીધો. ત્યારબાદ પોલીસે હળવો બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી નાંખ્યું આ દરમ્યાન પોલીસે પથ્થરમારો કરી રહેલા લોકો પર ગોળીબારની સાથે ટીયર ગેસનો મારો પણ ચલાવ્યો હતો. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. પથ્થરમારાને કારણે જુલૂસના કાર્યકર્તાઓની સાથે પોલીસ કર્મીઓને પણ ગંભીર ઈજાઓ થવા પામી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હમીરપુર જિલ્લાના મૌહદા કસ્બામાં મંગળવારે યુગોથી ચાલતા આવી રહેલા કંશ મેળાનું જુલૂસ પરંપરાગત રીતે કાઢવામાં આવ્યું હતું પરંતુ બીજા સમુદાયના લોકોએ જુલૂસના ખાસ માર્ગ પરથી પસાર થવા અંગે વિરોધ કર્યો. ત્યારબાદ બન્ને સમુદાયોની વચ્ચે વિવાદ સર્જાયો અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડવા માટે હસ્તક્ષેપ કર્યો તો રોષે ભરાયેલા લોકોએ વધારે પથ્થરમારો શરૂ કરી દીધો. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર કર્યો. હાલ આ પરિસ્થિતિ બાદ પોલીસે આખા કસ્બાને છાવણીમાં બદલી નાંખ્યો છે. સાથે જ કફર્યું પણ લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ, હમીરપુરના સાંસદ પુષ્પેન્દ્રસિંહ ચંદેલે આ સમગ્ર ઘટના માટે પોલીસને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું છે કે, પોલીસે પહેલા પરવાનગી આપી, ત્યારબાદ રૂટ બદલી નાખ્યો. તેથી જ આ સમગ્ર ઘટના સર્જાઈ છે. જાણકારી મુજબ કંશના મેળા માટે જિલ્લાના વહીવટીતંત્રએ પહેલેથી જ સમગ્ર તૈયારીઓ કરી લીધી હતી. તેનો રૂટ પહેલેથી જ નક્કી કરી લેવામાં આવ્યો હતો, પરંતુ રૂટ બદલવાને કારણે તણાવ સર્જાયો.