(સંવાદદાતા દ્વારા) ગોધરા, તા.રપ
પંચમહાલના શહેરા ખાતે નજીવી બાબતે ગત તા.ર૩ના રોજ કોમી દંગલ થયું હતું. જેમાં પોલીસની પક્ષપાતિ નીતિને કારણે એક ચોક્કસ કોમના ૧૮થી ર૦ શખ્સોની ધરપકડ કરેલ છે. જ્યારે આ સમગ્ર મામલામાં ખાનગી ગોળીબાર કરી ત્રણ ઈસમોને ઈજાગ્રસ્ત કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જેની સામે લઘુમતી સમાજમાં રોષની લાગણી જન્મી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા ખાતે ર૩મીના કોમી દંગલમાં મુસ્લિમ સમાજના ઘાંચી કોમના પ૩ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ૧૮થી ર૦ ઈસમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાં નિર્દોષોને પણ સંડોવી દેવામાં આવ્યાની લાગણી પ્રવર્તે છે. જ્યારે આ કોમી તોફાનમાં જેણે ખાનગી ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે તે રૂપચંદ સેવકાણીની પોલીસ ધરપકડ કરવાને બદલે છાવરતી હોવાનું લઘુમતી સમાજમાં ચર્ચાય છે. આ ખાનગી ગોળીબારમાં એક યુવકની હાલત ગંભીર હોવાનું તથા અન્ય એક યુવકે આંખ ગુમાવી હોવાનું જાણવા મળે છે. ત્યારે શહેરામાં ખાનગી ગોળીબાર કરનાર રાજકીય વગના જોરે ખુલ્લેઆમ ફરે છે ? જિલ્લા પોલીસ વડા સમગ્ર મામલે રસ દાખવી નિર્દોષ મુસ્લિમોની રંજાડ અટકાવે તેમજ સામાપક્ષે ખુલ્લેઆમ ફરતા ખાનગી ગોળીબાર કરનાર શખ્સને ઝેર કરે તેવી લોકલાગણી પ્રબળ બની રહી છે.