અમદાવાદ, તા.૧૮
અમદાવાદ શહેરમા છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલા વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની વચ્ચે અમદાવાદ શહેરમા મચ્છરજન્ય રોગના કેસમા સતત વધારો જોવા મળી રહ્યો છે જેમા આ માસના ૧૬ દિવસમા મેલેરીયા તેમજ ઝેરી મેલેરીયાના મળીને ૮૫૦ ઉપરાંત કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ અમદાવાદ શહેરમા ડેન્ગ્યુના પણ ૨૨ કેસ નોંધાવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,આ વર્ષે જુન માસથી લઈ અત્યાર સુધીમા શહેરમા મોસમનો સરેરાશ ૪૧ ઈંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે આ પરિસ્થિતિમા શહેરમાં સ્વાઈનફલૂ સહિતના અન્ય મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમા પણ સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે.જ્યા એક તરફ મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરમા મચ્છરજન્ય રોગને કાબુમા લેવા એન્ટિલાર્વા એકટીવીટી કરવામા આવી રહી છે ત્યાં બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમા થોડાઘણા વરસાદની અંદર ખાબોચીયામા વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે આજ કારણથી આ માસની શરૂઆતથી ૧૬ દિવસની અંદર શહેરમા સાદા મેલેરીયાના કુલ મળીને ૭૧૧ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ ઝેરી મેલેરીયાના ૧૪૨ કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ શહેરમા એડીસ ઈજીપ્તી મચ્છરોનો પણ ઉપદ્રવ નોંધપાત્ર પ્રમાણમાં વધવા પામ્યો છે આ કારણથી માસની શરૂઆતથી ૧૬ દિવસમા શહેરમા ડેન્ગ્યુના પણ ૨૨ કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ચીકનગુનીયાના બે કેસ નોંધાવા પામ્યા છે.આ આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને રેફરલ દવાખાનાઓના છે જેમા ખાનગી તબીબો અને હોસ્પિટલમા સારવાર લેતા દર્દીઓનો આંક ઉમેરવામા આવે તો આ આંક હજુ વધી શકે છે. અમદાવાદ શહેરમા પ્રદૂષિત પાણીની સમસ્યા પણ હજુ યથાવત જોવા મળી રહી છે આ કારણથી જ અમદાવાદ શહેરમા આ માસની શરૂઆતથી ૧૬ મી સપ્ટેમ્બર સુધીમા ઝાડા ઉલ્ટીના ૨૩૨ કેસ નોંધાવા પામ્યા છે ઉપરાંત કમળાના પણ ૧૩૦ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ ટાઈફોઈડના પણ ૧૧૧ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.