Ahmedabad

શહેરમાં વધુ ત્રણને ભરખી જતો સ્વાઈન ફ્લૂ : કુલ મૃત્યુઆંક ૧ર૪

અમદાવાદ, તા.૪
રાજયના અન્ય શહેરોની સાથે અમદાવાદમાં પણ ઓગસ્ટ માસની શરૂઆતથી શરૂ થયેલો સ્વાઈનફલૂનો કહેર હજુ પણ અટકવાનુ નામ લેતો ન હોય એમ અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકમા સ્વાઈનફલૂના નવા ૨૫ જેટલા પોઝેટીવ કેસ નોંધાવા પામ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને વર્ષ ૨૦૧૭માં ૨૦૯૨ થઇ છે. આવી જ રીતે વધુ ત્રણના મોત સાથે અમદાવાદમાં માત્ર સપ્ટેમ્બર મહિનામાં મોતનો આંકડો વધીને ચાર દિવસમાં ૧૩ થયો છે. કેસોની સંખ્યા સપ્ટેમ્બર મહિનામાં ૧૭૫ થઇ છે. આ સાથે જ વધુ ત્રણ લોકોના મોત થવા પામ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,આ વર્ષે રાજયમાં ભારે વરસાદની સાથે જ પુરા થયેલા ઓગસ્ટ માસની શરૂઆતથી જ રાજયમા રાજકોટ, સૌરાષ્ટ્ર,કચ્છ સહીત અમદાવાદ શહેરમા પણ સ્વાઈનફલૂએ તેનો કહેર વર્તાવવાની શરૂઆત કરી છે. પુરા થયેલા ઓગસ્ટ માસમાં અમદાવાદ શહેરમા પરિસ્થિતિ એ પ્રકારે હતી કે,રોજ સરેરાશ ૭૦ જેટલા સ્વાઈનફલૂના નવા પોઝેટિવ કેસ નોંધાતા હતા આ સાથે જ રોજ ચાર દર્દીઓના સારવાર દરમિયાન મોત થવા પામતા હતા.આ સ્થિતિમા છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરને લાગેવળગે છે ત્યાં સુધી સુધારો જોવા મળી રહ્યો હોવાનો તંત્ર તરફથી દાવો કરવામા આવી રહ્યો છે.જો કે સૂત્રોના કહેવા અનુસાર અગાઉ તંત્ર તરફથી જે પ્રમાણે દર્દીઓની પુરી વિગત આપવામા આવતી હતી તે હવે આપવામા આવી રહી નથી.આમ કયાંક ને કયાંક તંત્ર દ્વારા સ્વાઈનફલૂના કહેરને લઈ સાચી વિગતો છુપાવવા પ્રયાસ કરવામા આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમા સ્વાઈનફલૂના નવા ૨૫ પોઝેટીવ કેસ નોંધાવા પામ્યા છે જે સામે ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થવા પામ્યા છે. અમદાવાદ શહેરમા અત્યાર સુધીમાં કુલ મળીને ૧૭૩૫ જેટલા દર્દીઓને સારવાર બાદ રજા આપવામા આવી છે.હાલમા શહેરમા ૧૭ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.૯ દર્દીઓ બાયપેપ ઉપર છે જ્યારે ૨૩ દર્દીઓ ઓકસીજન ઉપર છે.અમદાવાદ શહેરમા અસારવા વિસ્તાર અને સોલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમા કુલ ૩૫૪ બેડ આઈસોલેશન વોર્ડમા તૈયાર રાખવામા આવ્યા છે જે પૈકી ૧૦૮ જેટલા દર્દી સારવાર હેઠળ છે.